JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ભાવનગરની શાળામાં વિદ્યાર્થિનીના નામે ખોટો પ્રેમપત્ર બનાવી પજવણી: શિક્ષકના પુત્ર સહિત પાંચ સામે પોક્સો હેઠળ ગુનો

Oct 16, 2026 | 11:01 | By JAMNAGAR MIRROR
ભાવનગરની શાળામાં વિદ્યાર્થિનીના નામે ખોટો પ્રેમપત્ર બનાવી પજવણી: શિક્ષકના પુત્ર સહિત પાંચ સામે પોક્સો હેઠળ ગુનો

ભાવનગર શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળામાં ચકચાર જગાવતી ઘટના સામે આવી છે. શાળામાં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય સગીર વિદ્યાર્થિનીને તેના જ વર્ગના ચાર સહઅભ્યાસી વિદ્યાર્થીઓ દ્વારા જાતિવાચક અને અપમાનજનક શબ્દો કહીને સતત પજવણી કરવામાં આવતી હતી. આટલું જ નહીં, આજ શાળાની એક શિક્ષિકાના પુત્રએ આ વિદ્યાર્થિનીના નામે એક બનાવટી પ્રેમપત્ર લખી શાળામાં ફરતો કરી તેને બદનામ કરવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે પીડિત વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદના આધારે પોલીસે પાંચેય સગીર વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરી જ્યારે શાળાના પરિસરમાં કે લોબીમાંથી પસાર થતી ત્યારે આ ચારેય વિદ્યાર્થીઓ તેની પાછળ બિભત્સ ચેનચાળા કરતા અને હડધૂત કરીને માનસિક ત્રાસ આપતા હતા. વિદ્યાર્થિનીની જાણ બહાર તેના નામે ખોટો પત્ર વાયરલ કરવામાં આવતા તે ભારે આઘાતમાં સરી પડી હતી. અંતે વિદ્યાર્થિનીએ આ આખી આપવીતી પોતાના પિતાને જણાવી હતી. આ અંગે પિતા તુરંત શાળા સંચાલકો સમક્ષ ફરિયાદ લઈને પહોંચ્યા હતા, જ્યાં શાળા પ્રશાસન દ્વારા માત્ર તપાસની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે વાલી અને સામાજિક સંગઠનના અગ્રણીઓ શાળાએ પહોંચ્યા હતા, જેના પગલે સમગ્ર પંથકના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.

આ મામલે સગીરાના પિતાએ ઘોઘારોડ પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની સંવેદનશીલતા અને ગંભીરતાને ધ્યાને લઈને બનાવટી પત્ર લખનાર શિક્ષિકાના પુત્ર તથા જાતિવાચક ટિપ્પણી કરી સતામણી કરનાર અન્ય ચાર સગીર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો એક્ટની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. શાળા પરિસરમાં જ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થિની સાથે કરવામાં આવેલા આવા અણછાજતા કૃત્યને પગલે વાલીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

LATEST ARTICLES