દેશની રાજધાની દિલ્હી અને આર્થિક પાટનગર મુંબઈમાં આયોજિત 'લહેરા દો તિરંગા' વિરોધ પ્રદર્શન અગાઉ રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સંસ્થાપક અભિજીત દિપકેએ ગંભીર દાવો કર્યો છે કે દિલ્હી પોલીસ દ્વારા ગમે તે ક્ષણે તેમની અટકાયત કરવામાં આવી શકે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુપ્તચર વિભાગના કર્મચારીઓ તેમના પર સતત બાજ નજર રાખી રહ્યા છે અને નંબર પ્લેટ વગરનાં શંકાસ્પદ વાહનો દ્વારા તેમનો પીછો કરવામાં આવી રહ્યો છે. જોકે, તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે જો જેલમાં જવું પડશે તો તેઓ તેના માટે પણ તૈયાર છે.
અભિજીત દિપકેએ મોડી રાત્રે પોતાના સાથીઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયતનો હવાલો આપતાં રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે પોલીસ કાર્યવાહીથી તેઓ ડરવાના નથી અને પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ શાંતિપૂર્ણ રીતે તિરંગો લહેરાવશે. મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં થયેલી કથિત ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવતા તેમણે માંગ કરી હતી કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવીને તેમની જગ્યાએ તટસ્થ અને નિષ્પક્ષ કમિશનરની નિમણૂક કરવામાં આવે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ શાસન પરિવર્તન નહીં, પરંતુ લોકશાહી ઢબે પારદર્શિતા ઈચ્છી રહ્યા છે.
આ વિરોધ પ્રદર્શન અંતર્ગત સીજેપી દ્વારા સામાન્ય નાગરિકો અને પોતાના સમર્થકોને દિલ્હીના કનોટ પ્લેસ ખાતે આવેલા સેન્ટ્રલ પાર્કમાં એકઠા થઈ રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું જાહેર આહવાન કરવામાં આવ્યું છે. બીજી તરફ, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા સેન્ટ્રલ પાર્કને બે દિવસ માટે તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્રના આ પગલા સામે સવાલ ઉઠાવતા દિપકેએ પૂછ્યું હતું કે જો આવતીકાલે દેશભરમાં સો સ્થળોએ તિરંગો લહેરાવવાની વાત થશે તો શું સરકાર તમામ સ્થળો બંધ કરી દેશે?
આ સંવેદનશીલ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સુરક્ષા એજન્સીઓ પણ સંપૂર્ણ સતર્ક બની ગઈ છે. કનોટ પ્લેસ અને તેની આસપાસના વિસ્તારોમાં દિલ્હી પોલીસ તથા અર્ધલશ્કરી દળોના આશરે ૬,૦૦૦ જેટલા જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનાર કે સરકારી આદેશોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
