JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

હવે રાત્રે પણ ચમકશે સૂર્યપ્રકાશ: પૃથ્વી પર અજવાળું પાથરવા અમેરિકી અને ભારતીય કંપની વચ્ચે ઐતિહાસિક સમજૂતી

Oct 16, 2026 | 10:41 | By JAMNAGAR MIRROR
હવે રાત્રે પણ ચમકશે સૂર્યપ્રકાશ: પૃથ્વી પર અજવાળું પાથરવા અમેરિકી અને ભારતીય કંપની વચ્ચે ઐતિહાસિક સમજૂતી

અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાના હેતુથી હવે રાત્રિના સમયે પણ પૃથ્વી પર સૂર્યપ્રકાશ ઉપલબ્ધ કરાવવાની અદભુત ટેકનોલોજી પર કામ શરૂ થયું છે. અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત રિફ્લેક્ટ ઓર્બિટલ કંપનીએ આ મહત્વકાંક્ષી યોજના માટે ભારતની અગ્રણી ખાનગી અવકાશ કંપની સ્કાયરૂટ એરોસ્પેસ સાથે મહત્વપૂર્ણ કરાર કર્યા છે. આ ઐતિહાસિક ભાગીદારી હેઠળ ભારતીય કંપનીના વિક્રમ રોકેટ દ્વારા બે વિશેષ ઉપગ્રહોને અવકાશમાં મોકલવામાં આવશે. આ ઉપગ્રહો પર વિશાળ અરીસા ગોઠવવામાં આવશે, જે સૂર્યના કિરણોને પરાવર્તિત કરીને રાત્રિ દરમિયાન પૃથ્વીના નિર્ધારિત વિસ્તારોમાં પ્રકાશ ફેંકશે.

કંપનીની યોજના અનુસાર, આ ઉપગ્રહો પૃથ્વી પર આશરે પાંચ કિલોમીટર જેટલા ક્ષેત્રફળમાં સૂર્યપ્રકાશ પહોંચાડવા સક્ષમ બનશે. આ આધુનિક પ્રણાલીની ખાસિયત એ છે કે જરૂરિયાત મુજબ પ્રકાશની તીવ્રતા નિયંત્રિત કરી શકાશે તેમજ જરૂર ન હોય ત્યારે તેને બંધ પણ કરી શકાશે. આ ટેકનોલોજીની મદદથી રાત્રિના સમયે પણ સૌર ઊર્જા પ્લાન્ટ્સમાં વીજળીનું ઉત્પાદન ચાલુ રાખી શકાશે, જેનાથી ઊર્જા સંકટ હળવું થશે. આ ઉપરાંત કુદરતી આફતો વખતે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા, દુર્ગમ ઔદ્યોગિક વિસ્તારોમાં કામકાજનો સમય વધારવા અને સુરક્ષા દળોના મહત્વના મથકો પર પ્રકાશ પહોંચાડવામાં આ સંશોધન આશીર્વાદરૂપ સાબિત થશે.

અવકાશમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તિત કરવાનો પ્રયોગ વર્ષ ૧૯૯૩માં રશિયાએ પણ કર્યો હતો, પરંતુ આર્થિક સંસાધનોના અભાવે તે આગળ ધપી શક્યો નહોતો. જોકે, આ નવી યોજના સામે પર્યાવરણવિદો અને ખગોળશાસ્ત્રીઓએ કેટલીક ગંભીર ચિંતાઓ પણ વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોના મતે રાત્રિના સમયે કૃત્રિમ પ્રકાશ વધવાથી વન્યજીવોના જૈવિક ચક્ર અને માનવીની ઊંઘ પર વિપરીત અસર પડી શકે છે, તેમજ અવકાશી સંશોધનોમાં પણ અડચણ આવી શકે છે. કંપનીએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે આ પ્રોજેક્ટને મોટા પાયે અમલમાં મૂકતાં પહેલાં વૈજ્ઞાનિકો અને નિયમનકારી તંત્રો સાથે પરામર્શ કરીને પર્યાવરણીય સંતુલન જાળવવામાં આવશે.

LATEST ARTICLES