અમદાવાદમાં રાજકીય પક્ષની આડમાં આચરવામાં આવેલા રૂપિયા ૮૪૩ કરોડના ટેક્સ ડિડક્શન કૌભાંડનો પર્દાફાશ થયો છે. આવકવેરા વિભાગના મદદનીશ કમિશનરની ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમે ‘આમ જનમત પાર્ટી’ના રાષ્ટ્રીય પ્રમુખ ગૌરવ મિશ્રા, ખજાનચી ધર્મેન્દ્ર વૈષ્ણવ, એકાઉન્ટન્ટ મયૂરસિંહ રાઠોડ, વચેટિયા દિનેશકુમાર જૈન તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રણવ શાહ અને આકાશ સોની સહિત સાત શખ્સો સામે નામજોગ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ આર્થિક ષડયંત્રના લીધે સરકારી તિજોરીને રૂપિયા ૨૫૦ કરોડથી વધુનું જંગી નુકસાન પહોંચ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
તપાસ એજન્સીની વિગતો અનુસાર, આમ જનમત પાર્ટી નામની સંસ્થા માત્ર એક કાગળ પર ઊભું કરાયેલું મહોરું હતી, જેનો કોઈ વાસ્તવિક જનસંપર્ક કે સાચી રાજકીય પ્રવૃત્તિ નહોતી. આ પક્ષના બેન્ક ખાતાઓમાં દાતાઓ પાસેથી કરોડો રૂપિયાનું ભંડોળ મેળવવામાં આવતું હતું. દાનમાં મળેલી રકમ સીધી પાર્ટીના ખાતામાંથી ઉપાડવાને બદલે પ્રિનિત કોર્પોરેશન, હશાઝ કોર્પોરેશન, અયાન એન્ટરપ્રાઇઝિસ અને શ્રી રામદેવ એન્ટરપ્રાઇઝિસ જેવી શંકાસ્પદ પેઢીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ પેઢીઓ મારફતે બેન્કિંગ ચેનલનો ઉપયોગ કર્યા બાદ સમગ્ર રકમ રોકડ સ્વરૂપે ઉપાડી લેવાતી હતી.
ત્યારબાદ વચેટિયાઓ મારફતે ચોક્કસ ટકાવારીનું કમિશન કાપીને બાકીની રકમ રોકડમાં મૂળ દાતાઓને પરત કરી દેવામાં આવતી હતી. આ કાળા કારોબારને કાયદેસરનું રૂપ આપવા માટે ઓડિટ સંભાળતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે બનાવટી ટેક્સ રિટર્નને પ્રમાણિત કર્યા હતા. કોઈપણ આધારભૂત વાઉચર કે બિલ વિના જ ચૂંટણી પ્રચાર અને રેલીઓના નામે બનાવટી ખર્ચ દર્શાવવામાં આવ્યા હતા. દાતાઓએ આ દાનના આધારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ માટે આવકવેરામાં ગેરકાયદે કપાત મેળવી સરકારી તિજોરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
આ સમગ્ર સંગઠિત કૌભાંડની મોડસ ઓપરેન્ડી આવકવેરા વિભાગ અને ગુપ્તચર તંત્રની નજરમાં આવી જતાં મોટો ભાંડો ફૂટ્યો છે. સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધીને તમામ આરોપીઓની ચોક્કસ ભૂમિકા અંગે દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી તેજ બનાવી છે. તપાસ અધિકારીઓના મતે આગામી દિવસોમાં આ મામલે અન્ય સંડોવાયેલા મોટા માથાઓ સામે પણ સકંજો કસાય તેવી પૂરી શક્યતા છે.
