બોલિવૂડમાં પોતાની પ્રથમ ફિલ્મથી દર્શકોના દિલ જીતી લેનાર જાણીતા અભિનેતા ઇમરાન ખાન તાજેતરમાં વિવિધ કારણોસર ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સુપરસ્ટાર આમિર ખાનના ભાણેજ તરીકે ફિલ્મ જગતમાં પ્રવેશ કરનારા ઇમરાન ખાન વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ મૂળ ભારતીય નાગરિક નથી. તેમનો જન્મ ૧૩ જાન્યુઆરી ૧૯૮૩ના રોજ અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના મેડિસન શહેરમાં થયો હતો, જેથી તેમની પાસે અમેરિકન નાગરિકતા છે. તાજેતરમાં એક વિરોધ પ્રદર્શનમાં તેમની હાજરી બાદ ભારત છોડવાની નોટિસ મળવાના અહેવાલો વચ્ચે તેમના પારિવારિક ભૂતકાળ અને અંગત જીવનના સંઘર્ષો અંગે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ઇમરાન ખાન હિન્દી સિનેમાના દિગ્ગજ ફિલ્મ સર્જક નાસિર હુસૈનના દોહિત્ર છે, જેમણે 'યાદોં કી બારાત' અને 'તીસરી મંઝિલ' જેવી યાદગાર ફિલ્મો આપી હતી. ઇમરાનના માતા નુઝહત ખાન એક વ્યાવસાયિક મનોવૈજ્ઞાનિક છે. નુઝહતના પ્રથમ લગ્ન અનિલ પાલ નામના સોફ્ટવેર એન્જિનિયર સાથે થયા હતા. જોકે, આ લગ્નજીવન લાંબુ ટકી શક્યું ન હતું અને ઇમરાન માત્ર બે વર્ષના હતા ત્યારે જ તેમના માતા-પિતા અલગ થઈ ગયા હતા. માતા-પિતાના છૂટાછેડા બાદ, ત્રણ વર્ષની વયે ઇમરાનને લઈને તેમની માતા મુંબઈ આવી ગઈ હતી. ઇમરાનનો સંપૂર્ણ ઉછેર તેમની માતાએ કર્યો હોવાથી, તેમણે પિતાની અટક લગાવવાને બદલે માતાની અટક 'ખાન' રાખવાનું પસંદ કર્યું હતું.
અનિલ પાલ સાથેના સંબંધોના અંત પછી, નુઝહત ખાને બોલિવૂડના જાણીતા અભિનેતા રાજ ઝુત્શી સાથે બીજા લગ્ન કર્યા હતા. 'લગાન' સહિતની અનેક ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય કરનાર રાજ ઝુત્શીએ ઇમરાનના ઉછેરમાં એક વાસ્તવિક પિતા જેવી મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ઇમરાને પણ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે બાળપણનો મોટો હિસ્સો સાવકા પિતા સાથે વિતાવ્યો હતો અને તેઓ તેમને પિતા સમાન આદર આપે છે. જોકે, સમય જતાં નુઝહત અને રાજ ઝુત્શીના સંબંધોમાં પણ તિરાડ પડી અને તેઓ પણ અલગ થઈ ગયા હતા. પારિવારિક ઉતાર-ચઢાવ વચ્ચે ઇમરાને વર્ષ ૨૦૦૮માં 'જાને તુ યા જાને ના' ફિલ્મથી અભિનયની સફર શરૂ કરી હતી અને ડેબ્યુ ફિલ્મથી જ રાતોરાત દેશભરમાં સ્ટાર બની ગયા હતા.
