રાજકોટ સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના જનરલ સર્જરી વિભાગના તબીબોએ તબીબી ક્ષેત્રે એક પ્રશંસનીય સફળતા પ્રાપ્ત કરી છે. જૂનાગઢની ૧૨ વર્ષીય બાળકીના પેટમાં ગળી ગયેલી ધાતુની તીક્ષ્ણ સોયને કોઈપણ પ્રકારના ઓપરેશન કે પેટ પર ચીરો મૂક્યા વિના, માત્ર અત્યાધુનિક એન્ડોસ્કોપી પદ્ધતિની મદદથી કુશળતાપૂર્વક બહાર કાઢવામાં આવી છે. તબીબોની આ સમયસૂચકતા અને કૌશલ્યને કારણે બાળકીને એક મોટી અને જોખમી શસ્ત્રક્રિયામાંથી મુક્તિ મળી છે.
મળતી વિગતો અનુસાર, જૂનાગઢની આ બાળકીએ થોડા દિવસો પૂર્વે રમત-રમતમાં અજાણતાં ધાતુની એક પિન ગળી લીધી હતી. આ બનાવ બાદ તેને પેટમાં સતત અને અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. બાળકીની તકલીફ વધતાં ચિંતિત પરિવારજનોએ તેને સ્થાનિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તેમજ ત્યારબાદ એક ખાનગી હોસ્પિટલમાં તપાસ અર્થે ખસેડી હતી. ત્યાં તબીબો દ્વારા કરવામાં આવેલા એક્સ-રે અને સીટી સ્કેન પરીક્ષણમાં બાળકીના પેટના અંદરના ભાગમાં ધાતુની કોઈ અણીદાર વસ્તુ હોવાની પુષ્ટિ થઈ હતી. બાળકીની સ્થિતિની ગંભીરતા જોઈ પરિવાર તેને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટ એમ્સ ખાતે લાવ્યો હતો.
રાજકોટ એમ્સની જનરલ સર્જરી ઓપીડીમાં બાળકીનું પુનઃ સીટી સ્કેન કરવામાં આવતાં જાણવા મળ્યું કે આ પિન નાના આંતરડાના શરૂઆતના નાજુક ભાગ એટલે કે ડ્યુઓડેનમમાં બીજા અને ત્રીજા ભાગના જોડાણ સ્થળે ફસાયેલી હતી. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે આ પિનના બે ટુકડા થઈ ગયા હતા. જો તે વધુ સમય આંતરડામાં રહેત તો આંતરિક રક્તસ્ત્રાવ કે આંતરડું ફાટી જવાની ગંભીર ઈજા થવાનું મોટું જોખમ હતું. આ અત્યંત જટિલ પરિસ્થિતિમાં સર્જરી વિભાગના વડા ડોક્ટર મિનેશ સિંઘલ અને ડોક્ટર પ્રિયંકા આનંદકાની ટીમે પેટનું મોટું ઓપરેશન કરવાને બદલે એન્ડોસ્કોપી દ્વારા પિન કાઢવાનો પડકારજનક નિર્ણય લીધો હતો.
તબીબોએ અતિશય સાવધાનીપૂર્વક એન્ડોસ્કોપિક સાધનો વડે આંતરડાને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વગર સોયના બંને ટુકડાઓ સફળતાપૂર્વક ખેંચી લીધા હતા. આ પ્રક્રિયા બાદ બાળકી પીડામુક્ત બની હતી અને કોઈ શસ્ત્રક્રિયા ન થઈ હોવાથી તે તુરંત સ્વસ્થ થઈ ગઈ હતી. સફળ સારવારના બીજા જ દિવસે બાળકીને સંપૂર્ણ તંદુરસ્ત હાલતમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં પરિવારે તબીબોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
