JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ધાનેરાના સામરવાડા ત્રણ રસ્તા પાસેથી લાખોનું હેરોઈન ઝડપાયું: પોલીસે બે શખ્સોને મુદ્દામાલ સાથે દબોચ્યા

Oct 16, 2026 | 01:12 | By JAMNAGAR MIRROR
ધાનેરાના સામરવાડા ત્રણ રસ્તા પાસેથી લાખોનું હેરોઈન ઝડપાયું: પોલીસે બે શખ્સોને મુદ્દામાલ સાથે દબોચ્યા

તહેવારોની મોસમમાં અસામાજિક તત્વો અને નશાના કારોબારીઓ સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં સ્થાનિક પોલીસે સઘન પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. ધાનેરા પોલીસે સામરવાડા ત્રણ રસ્તા નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બે ઈસમોને આંતરીને તેમની પાસેથી આશરે રૂપિયા ૫.૯૦ લાખની કિંમતનું ૨૯.૫ ગ્રામ હેરોઈન ઝડપી પાડ્યું છે. નશાના આ કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરીને કુલ રૂપિયા ૬.૦૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કાર્યવાહીની વિગત મુજબ, આગામી નવરાત્રી તથા દિવાળી જેવા પર્વોને અનુલક્ષીને ધાનેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. ડી. ચૌધરી અને તેમની ટીમે સમગ્ર વિસ્તારમાં કડક પેટ્રોલિંગ ગોઠવ્યું હતું. આ દરમિયાન પોલીસ કાફલો જ્યારે સામરવાડા ગામની સીમમાં પહોંચ્યો ત્યારે ત્રણ રસ્તા પાસેથી બે શખ્સો પગપાળા શંકાસ્પદ હિલચાલ સાથે પસાર થતા જણાયા હતા. પોલીસે તુરંત જ બંને શખ્સોને કોર્ડન કરી રોક્યા હતા અને પ્રાથમિક પૂછપરછ બાદ તેમની કાયદેસર અંગઝડતી હાથ ધરી હતી.

પોલીસ દ્વારા લેવાયેલી તલાશી દરમિયાન આ શખ્સો પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ એટલે કે હેરોઈન (ઓપિયમ આલ્કોલોઈડ્સ) મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ૨૯.૫ ગ્રામ વજન ધરાવતો હેરોઈનનો જથ્થો કબજે કર્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા ૫,૯૦,૦૦૦ જેટલી આંકવામાં આવી છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા ૩,૦૦૦ મળીને કુલ રૂપિયા ૬,૦૩,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં મુકેશ પ્રતાપભાઈ સોલંકી (રહેવાસી ચોરા, તાલુકો ડીસા) અને લલિત કનૈયાલાલ તુરી (રહેવાસી વૃંદાવન સોસાયટી, રામદેવ હોસ્પિટલ પાછળ, ધાનેરા) હોવાનું સામે આવ્યું છે.

ધાનેરા પોલીસે બંને નશાના સોદાગરો સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) કાયદાની કલમ ૮(સી), ૨૧(બી) અને ૨૯ હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સ્થાનિક વિસ્તારમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LATEST ARTICLES