પોલીસનો ડર ગાયબ? જામનગરમાં ગુનેગારો બેફામ બન્યાની પ્રતીતિ: જયેશ ચાવડાને રહેંસી નાખનાર આરોપી દિલીપ ચૌહાણ ફરાર, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે
જામનગર (ક્રાઈમ રિપોર્ટ)
:જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ગુનેગારો અને અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી તેવો વધુ એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આજે ધોળા દિવસે બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે, જ્યાં અંગત અદાવત અને આડા સંબંધની શંકામાં એક ૩૨ વર્ષીય આશાસ્પદ યુવાનની સરાજાહેર કરપીણ હત્યા કરવામાં આવી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના ૫૯ દિગ્વિજય પ્લોટ રોડ અને શંકર ટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા ૩૨ વર્ષીય જયેશ જગદીશભાઈ ચાવડા નામના યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભરબપોરે અને લોકોની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનામાં હત્યારાઓએ કાયદાનો રતિભાર પણ ડર રાખ્યા વિના જયેશ ચાવડા પર છરીના અનેક ઘા ઝીંકી દીધા હતા.

આડેધડ કરાયેલા ઘાતકી પ્રહારને કારણે યુવાન ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.આ હિચકારી ઘટનાને પગલે શંકર ટેકરી જેવા ભરચક વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને જોતજોતામાં અનેક લોકોનું ટોળું ઘટનાસ્થળે ઉમટી પડ્યું હતું. ધોળા દિવસે થયેલી આ હત્યાને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે અને લોકોમાં એવી ચર્ચા જોર પકડી રહી છે કે શહેરમાં હવે પોલીસનો ડર જાણે ‘સ્વહા’ થઈ ગયો હોય તેમ હત્યારાઓ અને ગુંડાઓ બેફામ બનીને ખુલ્લેઆમ ખૂની ખેલ ખેલી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ જામનગર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

ડીવાયએસપી ઝાલા, સ્થાનિક પીઆઈ અને સીટી સી ડિવિઝન પોલીસનો મસમોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભીડને કાબૂમાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પ્રાથમિક પોલીસ તપાસ અને સીટી સી ડિવિઝન પોલીસના એકરાર મુજબ, આ હત્યા પાછળનું મુખ્ય કારણ આડા સંબંધ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હત્યાકાંડને અંજામ આપનાર મુખ્ય આરોપી તરીકે દિલીપ રમેશભાઈ ચૌહાણનું નામ સામે આવ્યું છે. આરોપી દિલીપ અને તેના સાગરીતોએ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે જયેશ પર હુમલો કર્યો હોવાની આશંકા છે. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ફરાર આરોપી દિલીપ ચૌહાણ તથા તેની સાથે સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવા માટે શહેરભરમાં નાકાબંધી કરી ચક્રો ગતિમાન કર્યા છે. જામનગર જેવા શાંત ગણાતા શહેરમાં જાહેરમાં બનેલી આ હત્યાની ઘટનાએ પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે


