spot_img

સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા જામનગરને મળશે ‘ગોલ્ડન બ્રિજ’ની ભેટ: સૌરાષ્ટ્રના સૌથી લાંબા 3.4 કિલોમીટરના ફ્લાયઓવરનું આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય લોકાર્પણ

રૂ. 266.99 કરોડના જંગી ખર્ચે નિર્મિત સુભાષબ્રિજથી સાત રસ્તા સુધીનો આ પ્રોજેક્ટ શહેરનો પ્રથમ સાચો ‘ફ્લાયઓવર’ બની રહેશે: ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ માટે વહીવટી તંત્ર સજ્જ

સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની ઉપમા ધરાવતા અને હંમેશા વિકાસની નવી ક્ષિતિજો સર કરતા જામનગર શહેરમાં આવતીકાલે એક ઐતિહાસિક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાવા જઈ રહ્યું છે. જામનગરવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવા ‘ગોલ્ડન બ્રિજ’ એટલે કે સુભાષબ્રિજથી સાત રસ્તા સુધીના નવનિર્મિત ફ્લાયઓવરનું આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ માત્ર એક બ્રિજ નથી, પરંતુ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.4 કિલોમીટરનો ફ્લાયઓવર છે, જે શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને માળખાગત સુવિધાઓમાં આમૂલ પરિવર્તન લાવશે.આ મહાકાય પ્રોજેક્ટની સફર સરળ રહી ન હતી.

આ ફ્લાયઓવરના નિર્માણકાર્યનો કુલ સમયગાળો 51 મહિના જેટલો રહ્યો છે. નિર્માણના આરંભિક તબક્કે વૈશ્વિક મહામારી કોરોનાનું ગ્રહણ અને ત્યારબાદ ચોમાસાની ઋતુઓને કારણે કામગીરીમાં વિક્ષેપો આવ્યા હતા, છતાં તંત્ર અને એજન્સીની મક્કમતાને કારણે રૂ. 266.99 કરોડના ખર્ચે આ ભવ્ય ફ્લાયઓવર તૈયાર થઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં ગુલાબનગર બ્રિજ, બેડેશ્વર બ્રિજ અને દિગ્જામ સર્કલ નજીકના બ્રિજ મૌજૂદ છે, પરંતુ તે મૂળભૂત રીતે રેલવે ઓવરબ્રિજ (ROB) છે, જ્યારે ટેકનિકલ દ્રષ્ટિએ શહેરની મધ્યમાં ટ્રાફિક હળવો કરવા માટે બનાવેલો આ શહેરનો ‘પ્રથમ ફ્લાયઓવર’ બની રહેશે.આ ફ્લાયઓવરના લોકાર્પણ બાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફાર આવવાની ધારણા છે.

સુભાષબ્રિજ અને ગુલાબનગર તરફથી આવતા વાહનચાલકો, જેમને દિગ્જામ સર્કલ, સમર્પણ હોસ્પિટલ, ખંભાળિયા રોડ કે ઈંદિરા રોડ પરના જનતા ફાટક અને ગોકુલનગર તરફ જવું હોય, તેઓ હવે શહેરના અત્યંત ગીચ વિસ્તારો જેવા કે અંબર ચાર રસ્તા, ગુરૂદ્વારા ચાર રસ્તા કે સાત રસ્તા સર્કલ પરના ટ્રાફિકમાં ફસાયા વગર સીધા જ ફ્લાયઓવર પરથી પસાર થઈ શકશે. જેના પરિણામે બ્રિજની નીચેના સર્વિસ રોડ પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે અને નાગરિકોનો કિંમતી સમય અને ઈંધણ બંને બચશે.લોકાર્પણ પૂર્વે બ્રિજની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સઘન ‘લોડ ટેસ્ટિંગ’ કરવામાં આવ્યું હતું, જેમાં બ્રિજ પર ફુલ લોડ ટ્રકો દોડાવીને તેની મજબૂતી ચકાસવામાં આવી હતી. રાત્રિના સમયે આ બ્રિજ જામનગરની શાનમાં વધારો કરે તે માટે કાયમી ધોરણે અત્યાધુનિક લાઈટ ફીટીંગ અને અદ્ભુત સુશોભિત લાઈટિંગની કામગીરી પણ સંપન્ન કરી દેવામાં આવી છે, જેથી રાત્રે આ બ્રિજ ઝળહળતો જોવા મળશે

મુખ્યમંત્રીનો કાર્યક્રમ અને સઘન સુરક્ષા વ્યવસ્થા

આવતીકાલે યોજાનારા આ મેગા ઇવેન્ટ માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે કમર કસી છે. મુખ્યમંત્રીના એરપોર્ટ પર આગમનથી લઈને સાત રસ્તા બ્રિજ પર લોકાર્પણ અને ત્યારબાદ ધનવંતરી ઓડીટોરીયમ ખાતે યોજાનારી સભા સુધીના તમામ રૂટ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી અને જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ ખુદ રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને આજે સુરક્ષા કાફલા દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે એસ.પી.ના સીધા માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી, વિવિધ ડિવિઝનના પીઆઈ, એલસીબી, એસઓજી, અને પેરોલ ફર્લો સ્કવોડ સહિત પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનોનો મોટો કાફલો તૈનાત રહેશે. મ્યુનિસિપલ કમિશનર અને તેમની ટીમે કોન્ટ્રાક્ટર એજન્સી સાથે સંકલન સાધીને છેલ્લી ઘડી સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.આવતીકાલનો સૂર્યોદય જામનગર માટે વિકાસની નવી ગતિ લઈને આવશે, તે નિશ્ચિત છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles