જામનગરમાં જ્ઞાતિની વાડી ખાતે નવનિર્મિત સાંસ્કૃતિક હોલનું ભવ્ય લોકાર્પણ; સ્નેહ મિલન, વિશિષ્ટ સન્માન અને સંગીત સંધ્યાના કાર્યક્રમમાં જ્ઞાતિજનો ઉમટ્યા
જામનગરમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ અને તેના યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત એક ભવ્ય સમારોહમાં જ્ઞાતિની વાડી ખાતે નવનિર્મિત ‘સાંસ્કૃતિક હોલ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્નેહ મિલન, કરાઓકે સંગીત સંધ્યા, જ્ઞાતિ ભોજન અને વિશિષ્ટ સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી અને પૂર્વ શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા સહિતના દિગ્ગજો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય અતિથિ ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે, “મોઢ બ્રાહ્મણ જ્ઞાતી અને તેના યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા હંમેશા જ્ઞાતિ અને આ વિસ્તારના લોકો માટે સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેનો હું સાક્ષી છું. ભૂતકાળમાં જ્યારે આ વાડીમાં કંઈ ન હતું, ત્યાંથી ધીરે ધીરે જ્ઞાતિજનોએ સગવડતાઓ વધારી છે.”તેમણે પ્રોજેક્ટ ડાયરેક્ટર હિરેન ત્રિવેદીના પ્રયાસોને બિરદાવતા કહ્યું કે, “હિરેન ત્રિવેદી દ્વારા વિવિધ પ્રોજેક્ટ મૂર્તિમંત કરીને ફક્ત જ્ઞાતિની વાડીનો જ નહીં, પરંતુ આ વિસ્તારના લોકોની સુવિધા માટે પણ સતત રજૂઆતો કરી છે.”આ રજૂઆતોની નોંધ લેતા, શ્રી અકબરીએ બે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું કે, “અમે સૌ પદાધિકારીઓએ અલગ અલગ અનુદાનમાંથી રકમ ફાળવીને રિલાયન્સ પમ્પના ઢાળીયાથી જ્ઞાતિની વાડી સુધી રૂપિયા ૮૫ લાખના ખર્ચે સીસી રોડ મંજૂર કર્યો છે.” આ ઉપરાંત, તેમણે વાડીના મધ્યસ્થ હોલને એસી હોલ બનાવવા માટે રૂપિયા ૫ લાખનું ફરીથી અનુદાન આપવાની જાહેરાત કરી હતી,
જેને જ્ઞાતિજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.તેમણે પોતાના સેવાકીય કાર્યોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “આપ સૌના આશીર્વાદથી હું કુપોષિત બાળકોને દત્તક લઉં છું, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ દિવાળીમાં ગરીબ વિસ્તારોમાં મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરું છું. આપ સૌ પ્રાર્થના કરો કે આગામી દિવસોમાં હું વધુ સેવાકીય કામો કરી શકું.”આ કાર્યક્રમમાં સન્માનનો પ્રત્યુત્તર આપતાં ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢાએ જણાવ્યું હતું કે, “મેં મારા વોર્ડમાં સાંસ્કૃતિક હોલ માટે રૂપિયા ૧૦ લાખની રકમ ફાળવી હતી અને ધારાસભ્ય દિવ્યેશભાઈએ પણ રૂપિયા પાંચ લાખ આપ્યા હતા, જેના લીધે આ સરસ હોલ તૈયાર થયો છે.”ભાજપના શહેર પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારીએ જ્ઞાતિના સેવાકીય પ્રોજેક્ટોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ સારા કામોમાં મદદ કરવાની ખાતરી આપી હતી. ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ડો. વિમલ કગથરાએ યુવા સોશ્યલ ગ્રુપની કામગીરીને બિરદાવી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર હિરેન ત્રિવેદીના જ્ઞાતિ સેના કાર્યો પર ગર્વ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે યુવા સોશ્યલ ગ્રુપના તમામ સભ્યોએ ધારાસભ્ય દિવ્યેશ અકબરીનું તલવાર અર્પણ કરી અને સાલ ઓઢાડી ભવ્ય સન્માન કર્યું હતું. ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢાનું મહિલા પાંખના સભ્યો દ્વારા તલવાર અને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં દાતાશ્રીઓનું પણ સન્માન કરાયું હતું. શ્રી નરેન્દ્રભાઈ જાની પરિવાર તરફથી સ્નેહ મિલનના આ કાર્યક્રમમાં ભોજન ખર્ચ પેટે રૂપિયા ૯૦ હજારનું માતબર દાન અર્પણ કરાયું હતું. તેમજ, જયાનંદભાઈ સવજી પરિવાર તરફથી સ્વ. દિનકરરાય, સ્વ. મનસુખભાઈ, સ્વ. પ્રતાપભાઈ તથા મોહનલાલ જયાનંદભાઈ ત્રિવેદીની સ્મૃતિમાં સાંસ્કૃતિક હોલ માટે રૂપિયા ૪૫ હજારનું એસી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
સંગીત અને સ્નેહ ભોજનમાં જ્ઞાતિજનો ઝૂમી ઉઠ્યા
કાર્યક્રમના અંતમાં ‘કરાઓકે’ સંગીત જલસાનું આયોજન કરાયું હતું, જેમાં જ્ઞાતિજનોએ સુમધુર સંગીતની મોજ માણી હતી અને લોકો ઝૂમી ઉઠ્યા હતા. ત્યારબાદ સૌએ સાથે મળીને જ્ઞાતિ ભોજન (સ્નેહ ભોજન)નો આનંદ માણ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્ઞાતિના ટ્રસ્ટી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર હિરેન ત્રિવેદીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ચેતનભાઈ ત્રિવેદી, પ્રીતીબેન ત્રિવેદી, અભ્યુદય મંડળ, યુવા સોશ્યલ ગ્રુપ અને મહિલા પાંખના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમાં મનીષ કટારીયા, પૂર્વ ટ્રસ્ટી રમણીકભાઈ ત્રિવેદી, મહિલા પાંખના પ્રમુખ કીર્તીબેન ત્રિવેદી, દાતા પરિવારના પંકજભાઈ જોશી, ડો. દિનેશભાઈ ત્રિવેદી, પૂર્વ મેયર અમીબેન પરીખ, પૂર્વ ચેરમેન સુભાષભાઈ જોશી, જ્ઞાતિના ટ્રસ્ટી ઉમેદભાઈ જાની, પૂર્વ પ્રમુખ રાજેશભાઈ ત્રિવેદી, મંત્રી જીતેનભાઈ ઉપાધ્યાય સહિત જ્ઞાતિના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


