નિ.લી.પૂ.પા.ગો.૧૦૮ શ્રીરસિકરાયજી મહારાજશ્રીનાં આત્મજ પૂ.પા.ગો. ૧૦૮ શ્રીપુરૂષોત્તમલાલજી તથા શ્રીગોપેશરાયજીના દિવ્ય અવસરે ચારે દિશાના આચાર્યો, રાજકીય અગ્રણીઓ અને લાખો વૈષ્ણવો સાક્ષી બન્યા

કાલાવડ (શીતલા)
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થાય એવા એક અભૂતપૂર્વ અને દિવ્ય અવસરના સાક્ષી બનવા માટે કાલાવડ (શીતલા) નગર સુસજ્જ થયું હતું. ગઈકાલે, નિ.લી.પૂ.પા.ગો.૧૦૮ મહારાજશ્રી શ્રીવિઠ્ઠલનાથજી મહારાજશ્રી (ચોપાસની-જુનાગઢ) નાં પૌત્ર અને નિ.લી.પૂ.પા.ગો.૧૦૮ શ્રીરસિકરાયજી મહાજશ્રીનાં આત્મજ, એવા પૂ.પા.ગો. ૧૦૮ શ્રીપુરૂષોત્તમલાલજી મહારાજશ્રી એવમ્ પૂ.પા.ગો. ૧૦૮ શ્રીગોપેશરાયજી મહારાજશ્રી (ચોપાસની-રાજકોટ-કાલાવડ) ના ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત, શાસ્ત્રોક્ત વિધિ વિધાનો દ્વારા ભવ્યાતિભવ્ય ‘દોહરો શુભ લગ્ન પ્રસ્તાવ’ સંપન્ન થયો હતો. આ પ્રસંગે વૈષ્ણવ પરિવારોની વિશાળ અને રેકોર્ડ બ્રેક સંખ્યાએ ઉપસ્થિત રહી એક નવો ઇતિહાસ રચ્યો હતો.

આયોજકો દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યા અનુસાર, આ વિરાટ આયોજન માટે કાલાવડના ભગવતી પરા વિસ્તારમાં મીઠીવીડી પાછળ સ્થિત એકરની વિશાળ જગ્યામાં ‘રસિક સંકેતવન’ નામે એક ભવ્ય, જાજરમાન અને કલાત્મક વિશાળ એન્ટ્રિ ગેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અંદાજિત ૭૦ વીઘાના વિશાળ ભૂમિભાગ પર એક વિરાટ ડોમ તૈયાર કરી, તેમાં પ્રસ્તાવ કાર્યક્રમ માટેનો મુખ્ય લગ્ન સભા મંડપ ઉભો કરવામાં આવ્યો હતો, જે આયોજનની વિશાળતા અને ભવ્યતાની ચાડી ખાતો હતો. આ સમગ્ર મહાયજ્ઞને સફળ બનાવવા માટે ૧૭૦૦થી વધુ સ્વયંસેવકોએ ખડેપગે રહી અવિરત સેવા બજાવી હતી.

પુષ્ટિમાર્ગીય પરંપરામાં આ અવસરની દિવ્યતા એ હતી કે આ પ્રસ્તાવ પ્રસંગે ચારે દિશાઓમાંથી પધારેલા તમામ ગાદીપતી આચાર્ય શ્રીઓ તથા બાલકોએ વિશેષ ઉપસ્થિત રહી નવ-દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. કાલાવડ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા હજારો વૈષ્ણવ પરિવારો આ અલૌકિક ક્ષણના સાક્ષી બનવા ઉમટી પડ્યા હતા. ભક્તિભાવના આ મહાસાગરમાં, ગત ૭ દિવસના સમગ્ર મનોરથ દરમિયાન એક લાખથી વધુ વૈષ્ણવ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે વિવાહ પ્રસ્તાવના મુખ્ય દિવસે જ, સાંજ સુધીમાં ૪૦ હજારથી વધુ મનોરથી ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

ગઈકાલે સાંજે આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર એવો બન્ને દુલ્હેરાજાઓનો વિરાટ વરઘોડો કાલાવડ સ્થિત કમલકુંજ હવેલી (આચાર્યગૃહ) ખાતેથી પ્રસ્થાન પામ્યો હતો. ભવ્ય ગાજા-બાજા અને શાહી રસાલા સાથે નીકળેલા આ દિવ્ય વરઘોડાએ પ્રસ્તાવ પંડાલ (મીઠી વીડી) સુધીનો માર્ગ તય કર્યો હતો. આ વરઘોડાના દિવ્ય દર્શન કરવા અને તેમાં જોડાવા માટે હજારોની સંખ્યામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કમલકુંજ હવેલીથી વિવાહ પ્રસ્તાવ સ્થળ સુધીના સમગ્ર માર્ગ પર એક અલૌકિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું, જેણે સમગ્ર નગરને ધર્મમય બનાવી દીધું હતું.

આ ઐતિહાસિક લગ્ન પ્રસ્તાવના અવસર પર ધાર્મિક અગ્રણીઓની સાથે સાથે રાજકીય, સામાજિક અને ઉદ્યોગ જગતના મહાનુભાવો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, જામનગરના લોકપ્રિય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, તથા ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી આચાર્યશ્રીઓના દર્શનનો લાભ લીધો હતો અને દિવ્ય વિવાહ પ્રસ્તાવને નિહાળી ધન્યતા અનુભવી હતી.

કાર્યક્રમના અંતે, આયોજકો દ્વારા આ દિવ્ય મહોત્સવમાં આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા અપાવવા બદલ સમગ્ર વૈષ્ણવ સમાજનો અને તમામ ભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




