અમેરિકા અક્ષરધામ અને અબુધાબી હિન્દુ મંદિરના નિર્માતાના દિવ્ય સાનિધ્યથી હરિભક્તોમાં અનેરો ઉત્સાહ; ૧૯ નવેમ્બર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને સત્સંગ સભાઓની હારમાળા યોજાશે
છોટી કાશી તરીકે વિખ્યાત જામનગર શહેર શુક્રવાર, તારીખ ૭/૧૧/૨૫ ના રોજ ભક્તિ અને ઉત્સાહના મહાસાગરમાં ડૂબી ગયું હતું. નિમિત્ત હતું BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા, પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું નગરને આંગણે શાનદાર આગમન. ગોંડલ ખાતે દિવાળી અને અન્નકૂટ ઉત્સવનો ભવ્ય લાભ આપ્યા બાદ, ૯૨ વર્ષીય ગુરુહરિ મહંત સ્વામી મહારાજે જામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પધરામણી કરતાં હજારો હરિભક્તોના હૈયા હરખથી છલકાઈ ઉઠ્યા હતા. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ તથા પ્રગટ ગુરુહરિના સ્વાગત માટે મંદિર પરિસરમાં અદભૂત માહોલ સર્જાયો હતો; બાળકો અને યુવાનોએ વિવિધ વેશભૂષા ધારણ કરી અને ધર્મધજાઓ ફરકાવી ભાવવિભોર સ્વાગત કર્યું હતું,

તો બીજી તરફ મહિલા અને યુવતી ભક્તોએ અત્યંત સુંદર અને કલાત્મક રંગોળીઓ રચીને પોતાના ગુરુહરિને ભાવભીનો આવકાર આપ્યો હતો. ઠાકોરજીના દર્શન કર્યા બાદ, પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ભક્તોનું અભિવાદન ઝીલતાં સ્વાગત સમારોહ સ્થળે પધાર્યા હતા, જ્યાં છલોછલ ભરાયેલા સભાગૃહમાં ઉપસ્થિત જામનગર શહેર ઉપરાંત ખંભાળિયા, ભાણવડ, જામજોધપુર જેવા આસપાસના ક્ષેત્રોના હજારો હરિભક્તો વતી કોઠારી પૂજ્ય ધર્મનિધિ સ્વામી તથા અન્ય સંતોએ ભવ્ય હારતોરા અર્પણ કરી ગુરુહરિને વધાવ્યા હતા.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે સેંકડો સંતો અને હજારો હરિભક્તો દ્વારા વિશિષ્ટ તપ અને વ્રતનું અર્ધ્ય અર્પણ કરવામાં આવ્યું હતું. ગુરુહરિની પ્રસન્નતા અર્થે ભક્તોએ નિર્જળા, સજળા ઉપવાસ, ધારણા-પારણા વ્રત તેમજ પોતાની ભાવતી વસ્તુઓનો ત્યાગ કરવા જેવા કઠિન તપ આદર્યા હતા. તપની સાથે સાથે, ભક્તિની પરાકાષ્ઠા રૂપે હજારો ભક્તો દ્વારા લાખોની સંખ્યામાં માળા, પ્રદક્ષિણા, દંડવત્ પ્રણામ, પંચાંગ પ્રણામ, શાસ્ત્ર પઠન અને સહજાનંદ નામાવલિ પાઠ જેવા ભક્તિસભર અનુષ્ઠાનો દ્વારા વિશિષ્ટ ભક્તિ અદા કરવામાં આવી હતી. જામનગરના ભક્તોની આ અપ્રતિમ સેવા, વ્રત અને અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, “અહીં આવી અમને પણ ખૂબ આનંદ થયો છે. આપ સર્વેની સેવા-ભક્તિ ખૂબ અદભૂત છે અને તે ઉત્તરોત્તર વધતી રહે છે, જે અભિનંદનને પાત્ર છે.

જામનગરના તમામ ભક્તોને નવા વર્ષના ખૂબ ખૂબ આશીર્વાદ છે.”અત્રે ઉલ્લેખનીય છે કે, પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ માત્ર BAPS સંસ્થાના વડા જ નથી, પરંતુ તેઓ સમગ્ર વિશ્વમાં અમેરિકા અક્ષરધામ, દુબઈ અને અબુધાબી ખાતેના ભવ્ય હિન્દુ મંદિરો સહિત ૧૮૦૦થી અધિક હિન્દુ સનાતન મંદિરોના વૈશ્વિક પ્રણેતા છે. તેમણે ૧૨૦૦થી અધિક સુશિક્ષિત અને સુચરિત સંતોના નિર્માણ દ્વારા સનાતન ધર્મની ધજા વિશ્વભરમાં લહેરાવી છે અને ૫૫થી અધિક દેશોમાં વસતા લાખો ભક્તો દ્વારા સમાજસેવા, રાષ્ટ્રસેવા અને ધર્મ સેવાની અવિરત જ્યોત પ્રજ્વલિત કરી છે. ૯૨ વર્ષની વયે પણ અથાક વિચરણ કરતા આવા પરમ હિતકારી સંતનું જામનગરને આંગણે પધારવું, એ સમગ્ર નગરનું મોટું સૌભાગ્ય માનવામાં આવી રહ્યું છે.

આગામી દિવસોમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં જામનગર મંદિર ખાતે વિશિષ્ટ કાર્યક્રમોની એક શૃંખલાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની રૂપરેખા મુજબ, દરરોજ સવારે ૫:૪૫ કલાકે સંસ્થાના વિદ્વાન સંત વક્તા પૂજ્ય આદર્શજીવન સ્વામીના મુખેથી ‘મહંતચરિતમ’ વિષયક પારાયણનો લાભ મળશે, જે બાદ સંતો-ભક્તોની કીર્તન ભક્તિ અને બાળકોની રજૂઆત સાથે મહંત સ્વામી મહારાજના દિવ્ય પૂજા દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત થશે. આ ઉપરાંત, તા: ૯/૧૧ રવિવાર સાંજે ‘વાલમના વધામણા’ ભવ્ય સ્વાગત સમારોહ યોજાશે.

તા: ૧૦/૧૧ સોમવારે સાંજે બાલિકા, યુવતી અને મહિલાઓ દ્વારા નૃત્ય, સંવાદ અને પ્રવચન સાથે ‘મહિલા સંમેલન’ યોજાશે. તા: ૧૧/૧૧ મંગળવારે બાળકો દ્વારા મુખપાઠ કરાયેલ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના ૩૧૫ શ્લોકોને આધારે સનાતન સંસ્કૃતિની આબેહૂબ રજૂઆત કરતો ‘મિશન રાજીપો’ કાર્યક્રમ, તા: ૧૨/૧૧ બુધવારે જામનગર ગ્રામ્ય અને તા: ૧૩/૧૧ ગુરૂવારે ભાદરા ગ્રામ્યના હરિભક્તો દ્વારા ભક્તિસભર પ્રસ્તુતિ કરવામાં આવશે. ત્યારબાદ તા: ૧૪/૧૧ શુક્રવારે ‘વિદ્યા મંદિર દિન’ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ-સંસ્કાર પ્રેરક કાર્યક્રમ અને સાંજે ‘સહયોગી અભિવાદન સમારોહ’, તા: ૧૮/૧૧ મંગળવારે ‘યુવા તાલીમ કેન્દ્ર દિન’ અને અંતે તા: ૧૯/૧૧ બુધવારે ‘યુવા દિન’ નિમિત્તે “પારસમણિ” નામે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ સમગ્ર આયોજનને લઈને હરિભક્તોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.—


