spot_img

જામનગરમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવ: પાંચમા નોરતે શ્રદ્ધા, સેવા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ, હજારો ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

૨૫૦થી વધુ સ્વયંસેવકોની બનેલી વિવિધ સમિતિઓ ખડેપગે નિઃશુલ્ક સેવા, ટ્રસ્ટી જીતુભાઈ કમાણી દ્વારા સેવારત સ્વયંસેવકોનું મુલાકાત દરમિયાન અનોખું સન્માન

લાલપુર બાયપાસ,કાલિન્દી વર્લ્ડ સ્કૂલ પાસે આવેલા વિશાળ દોઢ લાખ ચોરસ ફૂટના ગ્રાઉન્ડ પર જાણે કે આખું નગર ગરબે રમવા ઉમટી પડ્યું હોય તેમ હજારો ખેલૈયાઓએ અદભૂત રંગ જમાવ્યો

આ વર્ષે જામનગર શહેરમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવ બે અલગ-અલગ ઝોનમાં યોજાઈ રહ્યો છે. એક ઝોન સેટેલાઇટ પાર્ક સ્થિત કાલિન્દી વર્લ્ડ સ્કૂલ પાસે અને બીજો ઝોન પ્રણામી સ્કૂલ, નવાનગર બેંક સામે રણજિત નગર ખાતે કાર્યરત

જામનગર તા.
જામનગરમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ લેઉવા પટેલ સમાજ સહિત હજારો પરિવારો માટે આનંદ, ઉત્સાહ અને ઉમંગનો પર્યાય બની ગયો છે. શહેરના નંબર વન ગણાતા આ નવરાત્રી આયોજનમાં દરરોજ હજારો ખેલૈયાઓ અને પ્રેક્ષકોની જનમેદની ઉમટી રહી છે. ગતરોજ, પાંચમા નોરતે, આ ભવ્ય આયોજનના મુખ્ય આધારસ્તંભ એવા સ્વયંસેવકોનો જુસ્સો વધારવા માટે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેવાભાવી અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જીતુભાઈ કમાણીએ વિશેષ મુલાકાત લીધી હતી, જેણે સમગ્ર વાતાવરણમાં એક નવી ઉર્જાનો સંચાર કર્યો હતો.

શહેરના લાલપુર બાયપાસ પાસે, સેટેલાઇટ પાર્ક વિસ્તારમાં આવેલા દોઢ લાખ ચોરસ ફૂટના વિશાળ ગ્રાઉન્ડમાં આયોજિત આ મહોત્સવમાં પારિવારિક અને સલામત વાતાવરણ જળવાઈ રહે તે માટે ૨૫૦થી વધુ સ્વયંસેવકોની બનેલી વિવિધ સમિતિઓ ખડેપગે નિઃશુલ્ક સેવા આપી રહી છે. પોતાના તહેવારના આનંદ અને ઉત્સાહનું સમર્પણ કરીને પાર્કિંગ સમિતિ, ગ્રાઉન્ડ સમિતિ, ડેઇલી પાસ વિતરણ સમિતિ, આરોગ્ય સમિતિ, દાન ફંડ સમિતિ અને એનાઉન્સિંગ સમિતિ જેવી અનેક ટીમો દિવસ-રાત જવાબદારીપૂર્વક પોતાની ફરજ નિભાવી રહી છે. આ સેવાભાવી સ્વયંસેવકોના અવિરત યોગદાનને બિરદાવવા અને તેમનો આભાર માનવા શ્રી જીતુભાઈ કમાણીએ પાંચમા નોરતે તમામ સમિતિઓની મુલાકાત લીધી હતી. તેમણે આયોજકો સાથે ચર્ચા કરી અને સેવાકાર્યમાં જોડાયેલા દરેક સ્વયંસેવક સાથે વ્યક્તિગત રીતે મળીને તસવીરો ખેંચાવી હતી, જે તેમના માટે એક પ્રોત્સાહક અને યાદગાર ક્ષણ બની રહી હતી.

આ પ્રસંગે લાગણીશીલ થયેલા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા ટ્રસ્ટી શ્રી જીતુભાઈએ જણાવ્યું હતું કે, “આપણે સૌ જેમના થકી આ ભવ્ય આયોજનનો આનંદ માણી રહ્યા છીએ, તે આ સ્વયંસેવકો છે. જેઓ ખડેપગે રહીને સેવા બજાવી રહ્યા છે, તેઓ પોતે ગરબાના આનંદમાં સંપૂર્ણ રીતે સહભાગી નથી થઈ શકતા. તેમની આ નિઃસ્વાર્થ સેવાનો ઋણ સ્વીકાર કરવો એ આપણી ફરજ છે.” તેમનો આ અભિગમ સ્વયંસેવકો માટે અત્યંત પ્રેરણાદાયક સાબિત થયો હતો. આયોજનની વધુ એક વિશેષતા એ છે કે ખેલૈયાઓને આપવામાં આવતા ડેઇલી પાસમાંથી થતી આવકનો સંપૂર્ણ ઉપયોગ ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ નિર્માણ પામી રહેલી કેન્સર હોસ્પિટલના ઉમદા કાર્ય માટે કરવામાં આવી રહ્યો છે. આમ, આ મહોત્સવ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ માનવસેવાનું પણ એક ઉત્તમ માધ્યમ બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જામનગર શહેરમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવ બે અલગ-અલગ ઝોનમાં યોજાઈ રહ્યો છે. એક ઝોન સેટેલાઇટ પાર્ક સ્થિત કાલિન્દી વર્લ્ડ સ્કૂલ પાસે અને બીજો ઝોન પ્રણામી સ્કૂલ નજીક કાર્યરત છે. બંને સ્થળોએ સાંજ પડતાં જ ખેલૈયાઓ અને ગરબા નિહાળવા આવતા હજારો પ્રેક્ષકોની ભીડ જામે છે. રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે અને તેમનો થનગનાટ સમગ્ર માહોલમાં અનેરી જમાવટ કરી રહ્યો છે. આમંત્રિત મહેમાનોનું પણ ખોડલધામનો ખેસ પહેરાવીને સ્વાગત અને સન્માન કરવામાં આવી રહ્યું છે, જે આયોજનની આગવી પરંપરા દર્શાવે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles