spot_img

દરેડ GIDCમાં સત્તાધીશો સામે ઉદ્યોગકારોનો હુંકાર: MOUમાં મસમોટો ગોટાળો અને કરોડોના ખોટા ખર્ચ મુદ્દે આજે સાધારણ સભા નિર્ણાયક બનવાના એંધાણ

એસોસિએશનના પ્રમુખની કામગીરી સામે ગંભીર સવાલો, ચૂંટણી બિનહરીફ કરાવવાના કાવતરાના આક્ષેપ સામે બેઠકમાં ઉપસ્થિત 500થી વધુ ઉદ્યોગકારોએ મોરચો માંડ્યો

MOU મા ગંદા પાણી ના નિકાલ મુદ્દે ગુજરાતી-અંગ્રેજી લખાણમાં ઘાતક વિસંગતતાનો પર્દાફાશ, પ્રમુખ સહિતના હોદ્દેદારોના “ભણતર-ગણતર” સામે ઉઠ્યા ગંભીર સવાલો

જામનગરના દરેડ ઉદ્યોગનગરમાં જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની સામાન્ય સભાની પૂર્વ સંધ્યાએ ઉદ્યોગકારોની બેઠકમાં વર્તમાન પેનલ પર અણઆવડત અને છેતરપિંડીના ગંભીર આક્ષેપ, ચૂંટણી બિનહરીફ કરાવવાના ષડ્યંત્ર સામે ઉદ્યોગકારોએ લાલ આંખ કરી.

જામનગરના ઔદ્યોગિક હૃદય સમાન દરેડ ઉદ્યોગનગરમાં આવેલા જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની આજે સાંજે યોજાઈ રહેલી સાધારણ સભા પહેલા જ ઉદ્યોગકારોમાં ભારે રોષ અને આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો છે. એસોસિએશનના વર્તમાન હોદ્દેદારોની મુદત પૂર્ણ થતી હોઈ, સામાન્ય સભાની પૂર્વ સંધ્યાએ ગઈકાલે સાંજે ઉદ્યોગકાર વિષ્ણુ પટેલ દ્વારા આયોજિત એક અસાધારણ બેઠકમાં 500થી વધુ પ્લોટ અને શેડ માલિકો ઉમટી પડ્યા હતા અને વર્તમાન સત્તાધીશોની નીતિઓ, ખાસ કરીને ડબલ ટેક્સના બોજ, એમઓયુની વિસંગતતાઓ અને કરોડો રૂપિયાના બિનજરૂરી સર્વિસ ચાર્જના મુદ્દે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ બેઠકમાં થયેલી ચર્ચાઓ અને આક્ષેપોએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી સાધારણ સભા માત્ર સામાન્ય નહીં, પરંતુ અસાધારણ અને નિર્ણાયક સાબિત થશે. બેઠકની શરૂઆતથી જ વાતાવરણ તંગ હતું અને ઉદ્યોગકારો એક પછી એક મુદ્દાઓ સાથે વર્તમાન પ્રમુખ દિનેશભાઈ ડાંગરયાની કામગીરીને નિશાન બનાવી રહ્યા હતા.

સૌ પ્રથમ, સૌથી મોટો વિવાદ દરેડ જીઆઇડીસીમાં તાજેતરમાં મંજૂર થયેલા ૨૫ કરોડ રૂપિયાના રસ્તાના કામને લઈને સામે આવ્યો. એમઓયું થઇ ગયા બાદ ઉદ્યોગકાર વિષ્ણુ પટેલ એ એમઓયુની શરતોનો હવાલો આપતા જણાવ્યું કે, કરાર મુજબ કોઈપણ નવા રોડ, સ્ટ્રીટલાઈટ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ “સ્પેશિયલ પર્પસ વ્હીકલ (SPV)” કંપની દ્વારા જ કરવાનું હોય છે અને તેની ટેન્ડર પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા થવી જોઈએ. પરંતુ, વર્તમાન પ્રમુખની ઘોર બેદરકારી અને અણઆવડતને કારણે આ ૨૫ કરોડની ટેન્ડર પ્રક્રિયા જીઆઈડીસી પાસે કરાવવામાં આવી. નિયમ મુજબ, જીઆઈડીસી કોઈપણ ટેન્ડરિંગ કામ પર પોતાનો ૩૦% વહીવટી સર્વિસ ચાર્જ વસૂલે છે. એટલે માત્ર ટેન્ડર પ્રક્રિયાનો વહીવટી ચાર્જ જ સાડા સાત કરોડ થાઈ છે. આ ભૂલને કારણે ઉદ્યોગકારો પર સીધા કરોડો રૂપિયાનો વધારાનો બોજ આવ્યો, જે એસોસિએશન અને મહાનગરપાલિકા સાથે થયેલ એમઓયુ બાદ બનાવેલી SPV કંપનીમાંથી ચૂકવવામાં આવ્યો. ઉદ્યોગકારોનો સ્પષ્ટ મત હતો કે જો આ કામ એમઓયુ મુજબ મહાનગરપાલિકા દ્વારા થયું હોત, તો આ કરોડો રૂપિયાનો તોતિંગ ખર્ચ બચી ગયો હોત, જે આખરે ઉદ્યોગકારોના ખિસ્સામાંથી જ ગયો છે. આ ઘટનાને સત્તાધીશોની ગંભીર નાણાકીય ગેરવહીવટ તરીકે જોવામાં આવી રહી છે.

બેઠકમાં થયેલો સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો એસોસિએશન દ્વારા જામનગર મહાનગરપાલિકા (JMC) સાથે કરાયેલા એમઓયુ (MOU) માં રહેલી ગંભીર વિસંગતતાનો હતો. ઉદ્યોગકાર પરેશભાઈ પટેલે પુરાવા સાથે આક્ષેપ કરતાં જણાવ્યું કે, ઉદ્યોગકારો પાસેથી જે ગુજરાતી ડ્રાફ્ટ પર સહમતી લેવામાં આવી હતી, તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે, “ઔદ્યોગિક વસાહતમાંથી નીકળતા તમામ પાણીના નિકાલની વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકાએ કરવાની રહેશે.” આ મુદ્દાના આધારે ઉદ્યોગકારોએ એમઓયુ માટે સંમતિ આપી હતી. પરંતુ, જ્યારે ફાઈનલ અંગ્રેજી એમઓયુ પર હોદ્દેદારોએ ઉદ્યોગકારોની જાણ બહાર સહી કરી, ત્યારે તેમાં શરત બદલી નાખવામાં આવી. અંગ્રેજી એમઓયુમાં લખ્યું છે કે, “Whatever sewage water generated in the these GIDC area shall be cleared for proper disposal by the JMC.” આનો અર્થ એ થયો કે JMC ફક્ત ગટરનું પાણી (શિવેજ વોટર) જ લેશે, જ્યારે કેમિકલયુક્ત કે અન્ય ઔદ્યોગિક પાણીના નિકાલની જવાબદારી ઉદ્યોગકારોના માથે આવી પડશે. ગુજરાતી અને અંગ્રેજી લખાણ વચ્ચેનો આ સ્પષ્ટ તફાવત ઉદ્યોગકારો સાથે થયેલો મોટો વિશ્વાસઘાત છે અને ભવિષ્યમાં તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ મુદ્દે ઉદ્યોગકારોમાં એવી પણ ચર્ચા જાગી હતી કે શું સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી જેવા મુખ્ય હોદ્દેદારો પાસે આવા ગંભીર દસ્તાવેજોને વાંચવા, સમજવા અને તેની અસરો પારખવા માટે જરૂરી ભણતર અને ગણતરનું જ્ઞાન પણ અધૂરું છે?

મુદ્દા ઉપરાંત, સરકાર દ્વારા તાજેતરમાં જીએસટી સ્લેબમાં કરાયેલા ફેરફારો અંગે પ્રમુખ દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસનોટને લઈને ઉદ્યોગકારોએ તીખી પ્રતિક્રિયા આપી હતી. ઉદ્યોગકારોએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગને જીએસટીના ફેરફારથી કોઈ સીધો ફાયદો કે નુકસાન નહોતું, ત્યારે પ્રમુખે દૂધની બનાવટો, કોલગેટ, શેમ્પૂ અને શીંગ ભુજીયા જેવી વસ્તુઓ સસ્તી થયાના ફોટા સાથે પ્રેસનોટ જાહેર કરીને સરકારની પ્રશંસા કરવાની શું જરૂર હતી? શું ઉદ્યોગકારોના પ્રશ્નોને વાચા આપવાને બદલે સરકારની ચાપલુસી કરવા માટે તેમને પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા છે? આ પ્રકારની બિનજરૂરી પ્રસિદ્ધિને ઉદ્યોગકારોએ ‘અક્કલનું પ્રદર્શન’ ગણાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

આક્રોશપૂર્ણ માહોલ વચ્ચે, ઉદ્યોગકાર વિષ્ણુ પટેલે વધુ ગંભીર મુદ્દાઓ પર ધ્યાન દોરતા જણાવ્યું કે, એમઓયુ થયા બાદ પ્લોટ ધારકોની મિલકતનું આકરણી અને વેરા વસૂલાતનું કામ મહાનગરપાલિકાને સાથે રાખીને SPV દ્વારા પારદર્શક રીતે કરવાનું હતું. પરંતુ છેલ્લા ૧૫ વર્ષથી આ કામગીરી થઈ જ નથી. ઊલટાનું, એસોસિએશનના સત્તાધીશોએ મહાનગરપાલિકા સાથે મળીને ઉદ્યોગકારો પર બળપ્રયોગ કરી, ડરાવી-ધમકાવીને રાતોરાત વેરા વસૂલાત કરાવી છે, જે એક પ્રકારની લૂંટ સમાન છે. આ સમયે વિષ્ણુ પટેલે “સાવધાન ઉદ્યોગકારો” કહીને એક મોટા કાવતરાનો પર્દાફાશ કરતા જણાવ્યું કે, બંધ બારણે આગામી ચૂંટણી ન થવા દેવાનું અને વર્તમાન પેનલને બિનહરીફ જીતાડી દેવાનું ષડ્યંત્ર રચાઈ રહ્યું છે. તેમણે ચેતવણી આપી કે જો આ ષડ્યંત્ર સફળ થશે તો ઉદ્યોગકારોને ૨૦૧૩થી ૨૦૧૮ સુધીના JMCના બાકી પૈસા પણ ભરવા માટે મજબૂર કરવામાં આવશે, જેનાથી બેવડો આર્થિક માર પડશે. તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે હવે ઔદ્યોગિક સંસ્થાઓ ના મુખ્ય હોદ્દેદાર રાજકારણમાં આગળ જવા માંગતા હોય અને રાજકારણમાં પગપેશરો કરવા માગતા હોય અને તેના કારણે ઉદ્યોગકારોના અવાજને સત્તાના દબાણ હેઠળ દબાવી દેવા માંગતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ છે. ભૂતકાળમાં સાચા હોવા છતાં કેટલાક ઉદ્યોગકારો સામે વોરંટ કઢાવી તેમના કારખાના સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી, ત્યારે એસોસિએશનની વર્તમાન પેનલે કોઈ સાથ-સહકાર આપ્યો ન હતો. આથી, તેમણે તમામ સભ્યોને આ કાવતરાને નિષ્ફળ બનાવવા અને લોકશાહીને બચાવવા માટે આગામી સાધારણ સભામાં ફરજિયાતપણે હાજર રહેવા ભાવુક અપીલ કરી હતી. આમ, આ બેઠક બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે દરેડ જીઆઇડીસીના ઉદ્યોગકારો હવે મૌન રહેવાના નથી અને સાધારણ સભામાં સત્તાધીશોને તેમના કાર્યકાળનો હિસાબ આપવા માટે મજબૂર કરશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles