# નવી દિલ્હી: દેશના અર્થતંત્રમાં મોટા ફેરફાર લાવનારી જાહેરાત કરતાં જીએસટી કાઉન્સિલ દ્વારા ટેક્સ સ્લેબની રચનાને સરળ બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીના સુષમા સ્વરાજ ભવન ખાતે બુધવારે સવારે ૧૧ વાગ્યે શરૂ થયેલી જીએસટી કાઉન્સિલની ૫૬મી મહાબેઠક લગભગ ૧૦ કલાક સુધી ચાલી હતી, જેમાં ૧૨% અને ૨૮% ના જીએસટી સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય સાથે હવે દેશમાં માત્ર બે મુખ્ય ટેક્સ સ્લેબ – ૫% અને ૧૮% જ અમલમાં રહેશે.આ મહત્વપૂર્ણ બેઠકમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં તમામ રાજ્યોના નાણા મંત્રીઓએ સર્વસંમતિથી આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જે વેપારીઓ અને સામાન્ય જનતા બંને માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કાઉન્સિલે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GoM) દ્વારા આપવામાં આવેલી તમામ ભલામણો પર મહોર લગાવી છે.
**ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારો**
નવા પ્રસ્તાવિત માળખા હેઠળ, હાલના ૧૨% ના સ્લેબમાં આવતી લગભગ ૯૯% ચીજવસ્તુઓને હવે ૫% ના નીચલા સ્લેબમાં સમાવવામાં આવશે, જેનાથી સામાન્ય ઉપભોક્તાઓને મોટી રાહત મળવાની શક્યતા છે. આ ઉપરાંત, ૨૮% ના સ્લેબમાં આવતા મોટાભાગના સામાનને ૧૮% ના સ્લેબમાં ખસેડવામાં આવશે. આ ફેરફારથી ઘણી મોંઘી વસ્તુઓના ભાવમાં ઘટાડો થઈ શકે છે.જોકે, ‘સિન ગુડ્સ’ (પાણી માસાલા, તમાકુ) અને લક્ઝરી કાર જેવી વસ્તુઓ પર ૪૦% નો નવો ટેક્સ સ્લેબ લાગુ કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ આવી વસ્તુઓ પર ઉંચો ટેક્સ લગાવીને રાજકોષીય આવકમાં વધારો કરવાનો છે.
**વધારાના નિર્ણયો**
જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં ટેક્સ સ્લેબના માળખા ઉપરાંત અન્ય કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. જેમાં એક અગત્યનો નિર્ણય ઓટોમેટિક જીએસટી રિફંડની પ્રક્રિયા પર સહમતિ સાધવાનો હતો. આનાથી વેપારીઓ અને ઉદ્યોગ જગત માટે રિફંડ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે.નાણા મંત્રી નિર્મલા સીતારમણ આ બેઠક માટે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં પણ હાજર રહ્યા ન હતા, જે દર્શાવે છે કે આ મીટિંગ કેટલી ગંભીરતાપૂર્વક લેવામાં આવી હતી. આ બે દિવસીય બેઠક ગુરુવાર, ૪ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે, જેમાં અન્ય ઘણા મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવી શકે છે.આ નિર્ણયોથી દેશભરના વેપારી વર્ગમાં આશાનું નવું કિરણ જાગ્યું છે. તેમને વિશ્વાસ છે કે ટેક્સ માળખું સરળ બનવાથી વેપાર-ધંધામાં પારદર્શિતા વધશે અને ટેક્સનું પાલન કરવું વધુ સરળ બનશે. જીએસટી કાઉન્સિલના આ નિર્ણયની વિસ્તૃત વિગતો નાણા મંત્રી દ્વારા મોડી રાત્રે યોજાનાર પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે, જેની સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.


