દર વર્ષે લોકમેળો રોકવાનો ખેલ આ વખતે મોંઘો પડ્યો
એક્ટિવિસ્ટ કલ્પેશ આશાણીને કોર્ટની સણસણતી લપડાક, રૂ. ૧૦,૦૦૦નો દંડ
ગયા વર્ષે દાવો પાછો ખેંચ્યો, આ વર્ષે કોર્ટે દંડ સાથે કાઢી મૂક્યો: જામનગર પાલિકાના વકીલ વિરલ રાચ્છની કાનૂની દલીલો સામે અરજદાર પાણીમાં બેસી ગયા
કાયદાકીય પ્રક્રિયાનો દુરૂપયોગ અને અધૂરી નોટિસનો સમયગાળો અરજદાર માટે બન્યો ગળાનો ફંદો, જનહિતનું મહોરું ઉતરી ગયું
જામનગર:જામનગરના પ્રખ્યાત શ્રાવણી લોકમેળાને રોકવા માટે દર વર્ષે થતા પ્રયાસોના નાટકનો આખરે અંત આવ્યો છે. ‘જનહિત’ના નામે અને સંભવિત દુર્ઘટનાનો ભય બતાવીને એક્ટિવિઝમની પીપૂડી વગાડતા અરજદાર કલ્પેશ આશાણીને આ વર્ષે કોર્ટમાંથી ઉભી પૂંછડીયે ભાગવાનો વારો આવ્યો છે. જામનગરની સિનિયર સિવિલ કોર્ટે માત્ર તેમની અરજીને ફગાવી જ નથી, પરંતુ કાયદાનો દુરૂપયોગ કરવા અને કોર્ટનો સમય બરબાદ કરવા બદલ રૂ. ૧૦,૦૦૦ નો આકરો દંડ પણ ફટકાર્યો છે. આ કેસમાં જામનગર મહાનગરપાલિકાનો પક્ષ રજૂ કરી રહેલા એડવોકેટ વિરલ રાચ્છની બે દિવસની ધારદાર અને તર્કબદ્ધ દલીલોએ અરજદારના દાવાના પાયા હચમચાવી નાખ્યા હતા, જેના પરિણામે પાલિકાની ભવ્ય કાનૂની જીત થઈ છે.
આ મામલાની સૌથી રસપ્રદ વાત એ છે કે, આ કોઈ પહેલીવારનો બનાવ નથી. મળતી વિગતો મુજબ, ગયા વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન આજ અરજદારે પ્રદર્શન મેદાન ખાતેના લોકમેળા સામે મોટી દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરીને કોર્ટમાં દાવો કર્યો હતો. પરંતુ, જ્યારે કેસની સુનાવણીનો સમય નજીક આવ્યો અને કાનૂની પ્રક્રિયાનો સામનો કરવાનો થયો, ત્યારે તેમણે અચાનક જ પોતાની દાવા અરજી પાછી ખેંચી લીધી હતી (વિડ્રો કરી લીધી હતી). આ ઘટનાક્રમ પરથી જ તેમના ઈરાદાઓ સ્પષ્ટ થતા હતા. આ વર્ષે ફરીથી એ જ જૂની સ્ક્રિપ્ટ સાથે, કલ્પેશ આશાણીએ કોર્ટમાં દાવો દાખલ કર્યો કે પ્રદર્શન મેદાનમાં મેળાના આયોજનથી ટ્રાફિકની સમસ્યા વકરશે અને નજીકમાં આવેલા એસ.ટી. ડેપોને કારણે જાનહાનિનો મોટો ખતરો છે, આથી મેળા પર રોક લગાવવામાં આવે.પરંતુ આ વખતે તેમનો દાવ ઊંધો પડ્યો.
મહાનગરપાલિકા વતી એડવોકેટ વિરલ રાચ્છે કોર્ટ સમક્ષ સ્પષ્ટપણે રજૂઆત કરી કે આ દાવો ટકવાપાત્ર જ નથી અને તે કાયદાની અનેક જોગવાઈઓનો સરેઆમ ભંગ કરે છે. તેમણે કોર્ટને જણાવ્યું કે, જાહેર ઉપદ્રવ (Public Nuisance) ને લગતા કેસ માટે સિવિલ પ્રોસિજર કોડ (CPC) ની કલમ ૯૧ હેઠળ સ્પષ્ટ માર્ગદર્શિકા છે, જે મુજબ આવો દાવો માત્ર એડવોકેટ જનરલ અથવા કોર્ટની પૂર્વમંજૂરીથી બે કે તેથી વધુ વ્યક્તિઓ જ કરી શકે છે. અહીં અરજદાર એકલા હતા અને તેમણે આવી કોઈ પ્રક્રિયાનું પાલન કર્યું નહોતું.એટલું જ નહીં, ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટની કલમ ૪૮૭ નો નિયમ પણ અરજદાર માટે ગળાનો ફંદો બની ગયો. આ કલમ મુજબ પાલિકા સામે દાવો કરતા પહેલા એક મહિનાની નોટિસ આપવી અનિવાર્ય છે.
આ કેસમાં, અરજદારે તા. ૨૪ જૂન, ૨૦૨૫ ના રોજ પાલિકા કમિશનરને નોટિસ આપી અને તા. ૨૩ જુલાઈ, ૨૦૨૫ ના રોજ દાવો દાખલ કરી દીધો. આમ, નોટિસ આપ્યાના ૩૦મા દિવસે જ દાવો દાખલ કરીને તેમણે કાયદાકીય સમયમર્યાદાનું પાલન ન કર્યું, જેથી તેમનો દાવો “પ્રિમેચ્યોર” (અપરિપક્વ) સાબિત થયો.આ તમામ તથ્યો અને દલીલોને ધ્યાને લેતા, નામદાર કોર્ટે પોતાના હુકમમાં સ્પષ્ટપણે નોંધ્યું કે વાદીનો દાવો CPC કલમ ૯૧ અને GPMC એક્ટની કલમ ૪૮૭ હેઠળ સ્પષ્ટ રીતે બાધિત છે. કોર્ટે અવલોકન કર્યું કે અરજદાર તેમના દાવાનું કારણ ક્યારે અને કેવી રીતે ઉપસ્થિત થયું તે પણ સ્પષ્ટ કરી શક્યા નથી. આથી, કોર્ટે CPC ના ઓર્ડર ૭, રૂલ ૧૧ (એ) તથા (ડી) હેઠળ આ દાવા અરજીને રદ કરવાનો આદેશ આપ્યો. સાથે જ, અરજીના ખર્ચ પેટે રૂ. ૧૦,૦૦૦/- ની રકમ જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં જમા કરાવવાનો હુકમ કરીને કોર્ટે આવા પાયાવિહોણા દાવાઓ કરનારાઓ સામે કડક વલણનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. આ ચુકાદાથી જામનગરના લોકપ્રિય શ્રાવણી મેળાના આયોજન પરથી તમામ કાનૂની ગ્રહણ દૂર થઈ ગયા છે.