૬ માસ પહેલા જ પોતાના પત્નીનું અવસાન થયા બાદ ગુમસૂમ રહેતા હતા: દરમિયાન આજે અકળ કારણોસર અંતિમ પગલું ભરી લીધું
જામનગર તા ૧૦, જામનગર ની અતિ પ્રખ્યાત સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલી એચ. જે. વ્યાસ મીઠાઈવાલા ના સંચાલક જયંતભાઈ હીરાલાલભાઈ વ્યાસ (૮૫ વર્ષ) એ આજે સવારે નાગેશ્વર વિસ્તારમાં છ વાગ્યાના અરસામાં પોતાની સર્વિસ રિવોલ્વર માંથી લમણામાં ગોળી જીકી દઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને લઈને શહેરમાં ભારે ગમગીની ફેલાઈ છે.જામનગર શહેરમાં એચ. જે. વ્યાસ મીઠાઈવાલા ના નામથી પ્રચલિત મીઠાઈ ની વેપારી પેઢી ચલાવતા જયંતભાઈ વ્યાસ કે જે ના પત્ની ઉમાબેન નું આજથી છ માસ પહેલા વાહનના અકસ્માતમાં ઈજા થયા બાદ સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું, ત્યાર પછી તેઓ ગુમસુમ રહેતા હતા તાજેતરમાં એક સપ્તાહ માટેની સિધ્ધનાથ મહાદેવ મંદિર ની પાસે જ આવેલા બાલનાથ મહાદેવ મંદિરની માનતા માની હતી, અને પ્રતિદિન એક રીક્ષામાં વહેલી સવારે બેસીને તેઓ દર્શનાર્થે જતા હતા. આજે માનતા પુરી કરવાનો અંતિમ દિવસ હતો અને રીક્ષાચાલકને પણ ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું, અને પોતે રોકાયા હતા. ત્યારબાદ કોઈ કારણસર લમણામાં ગોળી જીકી દીધી હતી. જે ધડાકો સંભળાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને તેઓને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તેઓને સારવાર મળે તે પહેલાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને લઈને જામનગર શહેરના વેપારી આલમ માં ભારે શોક છવાયો છે. મૃતકના સંતાનમાં એક પુત્રી છે, જે મુંબઈ રહે છે તેઓને જાણ કરાતાં પુત્રી અને જમાઈ જામનગર આવવા માટે નીકળી ગયા છે. જેઓના મૃતદેહનું જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયા બાદ તેમના ઘેર લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને ત્યારબાદ અંતિમવિધિ ની પ્રક્રિયાઓ હાથ ધરાશે. આ મામલે પોલીસને જાણ થતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર મામલામાં ઊંડી તપાસ શરૂ કરી છે. મૃતક જયંતભાઈ ના ભાઈ અને ભત્રીજા વગેરેના પોલીસે નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.