જામનગરના દરેડ જીઆઇડીસી (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) વિસ્તારના પ્લોટ ધારકો દ્વારા જામનગર મહાનગરપાલિકા દ્વારા લાદવામાં આવેલા મિલકત વેરા સામે તાજેતરમા ગુજરાત હાઇકોર્ટમાં હાઇકોર્ટ મા કેસ હાર્યા બાદ દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનને રદ કરવામાં આવી છે. આ નિર્ણયથી નિરાશ થયેલા જીઆઇડીસી પ્લોટ ધારકો દ્વારા ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ લીવ પીટીશન ફોર અપીલ (એલપીએ) દાખલ કરવામાં આવી હતી. જો કે, ડિવિઝન બેંચે પણ પ્લોટ ધારકોની આ અરજીને ફગાવી દીધી છે અને બાકી નીકળતો તમામ વેરો જામનગર મહાનગરપાલિકામાં તાત્કાલિક ભરપાઈ કરવા માટે આદેશ કર્યો છે.
મળતી માહિતી મુજબ, જામનગર મહાનગરપાલિકાએ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક પ્લોટો પર મિલકત વેરો લાદ્યો હતો. આ વેરાને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન સહિતના પ્લોટ ધારકોએ ગેરકાયદેસર ગણાવીને હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી. અરજદારોનું કહેવું હતું કે જીઆઇડીસી દ્વારા તેઓને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જેના માટે તેઓ નિયમિત ચાર્જ ચૂકવે છે. આમ છતાં, મહાનગરપાલિકા દ્વારા વધારાનો વેરો લાદવો યોગ્ય નથી.જો કે, ગુજરાત હાઇકોર્ટની સિંગલ જજની બેંચે જીઆઇડીસી પ્લોટ ધારકોની આ દલીલોને માન્ય રાખી ન હતી અને તેમની સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનને રદ કરી દીધી હતી.
આ નિર્ણય સામે જીઆઇડીસી પ્લોટ ધારકોએ ડિવિઝન બેંચમાં અપીલ કરી હતી, પરંતુ ત્યાં પણ તેમને નિષ્ફળતા મળી છે. ડિવિઝન બેંચે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જીઆઇડીસી વિસ્તાર મહાનગરપાલિકાની હદમાં આવે છે અને તેથી પ્લોટ ધારકો મિલકત વેરો ભરવા માટે બંધાયેલા છે. બેંચે અરજદારોને તાત્કાલિક તમામ બાકી વેરો ભરપાઈ કરવા માટે નિર્દેશ આપ્યો છે.આ ઘટનાક્રમથી જામનગરના જીઆઇડીસી પ્લોટ ધારકોને મોટો ફટકો પડ્યો છે. હવે તેઓએ મહાનગરપાલિકાને બાકી નીકળતો વેરો ભરવો પડશે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બાકી વેરાની કુલ રકમ કેટલી છે અને તેને ભરવા માટે પ્લોટ ધારકોને કેટલો સમય આપવામાં આવ્યો છે. જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના આગેવાનો આ અંગે આગળ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે. આ કેસમા અંદાજિત ૨૮૦ જેટલાં પ્લોટ ધારકો સામેલ હતા જેમની અરજીઓ પણ નામદાર કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ ઘટનાથી જામનગરના ઔદ્યોગિક વર્તુળોમાં ચર્ચા જાગી છે.