“ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા”: વિસાવદરની જીત પર ગોપાલ ઇટાલિયાની યુવાનોને હાકલ” “મારા વ્હાલા યુવાનો, જાગો! ક્યાં સુધી આપણે ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું?”
“વિસાવદરનો જનાદેશ: ઇટાલિયાની ૧૭,૫૮૧ મતે જીત, કહ્યું – “આ ખેડૂતો અને માતાઓના આશીર્વાદનો વિજય છે”
ગુજરાત વિધાનસભાની વિસાવદર બેઠક પર યોજાયેલી અત્યંત રસાકસીભરી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો ૧૭,૫૮૧ મતોના પ્રચંડ માર્જિનથી વિજય થયો છે. આ ઐતિહાસિક જીત બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આ વિજય ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત છે અને આ લડાઈ એકતરફી સત્તા, પૈસા, દારૂ અને અહંકાર સામે આમ જનતાની આશા અને વિશ્વાસની લડાઈ હતી.
તેમણે ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા નાનામાં નાના સરકારી કર્મચારીઓ, પ્રિસાઇડિંગ ઓફિસરથી લઈને પટાવાળા સુધીના સૌનો બંધારણનું રક્ષણ કરવા અને ન્યાયપૂર્ણ કામગીરી કરવા બદલ હાથ જોડીને આભાર માન્યો હતો, જોકે સાથે જ કેટલાક અધિકારીઓને આડે હાથ પણ લીધા હતા.
ઇટાલિયાએ આ ચૂંટણીને એક ‘માઇલસ્ટોન’ ગણાવતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ પોતાની તમામ તાકાત લગાવી દીધી હોવા છતાં આ પરિણામે સાબિત કર્યું છે કે સત્તા, પૈસા કે સરકારી તંત્રની તાકાત નહીં, પરંતુ જનતાએ એક થઈને લીધેલા સંકલ્પની તાકાત જ આ દેશમાં સર્વોપરી છે. તેમણે આ જીતનો શ્રેય ગામડે-ગામડે દીકરીઓના હાથે લીધેલા દુઃખણાને, માતાઓએ આપેલા આશીર્વાદને અને ખેડૂત ભાઈઓના સમર્થનને આપ્યો હતો. આ સાથે જ તેમણે ગુજરાતભરના યુવાનોને ભાવુક અપીલ કરતા કહ્યું કે, “મારા વ્હાલા યુવાનો, જાગો! ક્યાં સુધી આપણે ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું?” તેમણે યુવાનોને પોતાનો આત્મા જગાડી, અંદર રહેલી શક્તિને ઓળખીને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આગળ આવવા હાકલ કરી હતી. ગોપાલ ઇટાલિયાએ દ્રઢ વિશ્વાસ સાથે જાહેર કર્યું કે, “આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે અને કુદરતે પણ વરસાદરૂપી આશીર્વાદ વરસાવ્યા છે.”