સંજય ડાંગર ધ્રોલ –
ધ્રોલ તાલુકાના માણેકપર ગામ નજીક એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં ખેત મજૂરી કરતાં પરિવારના બે માસૂમ ભાઈ-બહેનનું પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી દુઃખદ અવસાન થયું છે. આ હૃદયદ્રાવક ઘટનામાં અનીલભાઈ ભુરીયાનાં નવ વર્ષીય પુત્રી અનીતાબેન અનીલભાઈ ભુરીયા અને તેમના સાત વર્ષીય પુત્ર અવિનાશ અનીલભાઈ ભુરીયાનું કમનસીબે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. બંને બાળકોના મૃતદેહને તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઓળખવિધિ કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધ્રોલ પોલીસ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને આ દુઃખદ બનાવની આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરીને ઘટનાની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકો રમતા રમતા અજાણતામાં પાણી ભરેલા ખાડા નજીક પહોંચી ગયા હતા અને દુર્ભાગ્યે તેમાં ડૂબી ગયા હતા. આ ઘટનાએ સમગ્ર માણેકપર ગામમાં ગમગીનીનો માહોલ સર્જી દીધો છે અને મૃતક બાળકોના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.