જામનગર, તા.૧૪
જામનગર શહેરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક કારખાનેદાર દુળેટીની રજાના દિવસે પોતાની પેટ્રોલ એન્જિનવાળી જી.જે.૦૩ ડી.એન.૩૪૫૫ નંબરની ફોર્ડ ફિગો કાર લઈને કાલાવડ નજીક આવેલા રવેશીયા ગામે પોતાની વાડીએ જઈ રહ્યા હતા.

બ્રાસ પાર્ટ્સના કારખાનેદાર વેપારી લલિતભાઈ ઠુંમર આજે સવારે ૧૧ વાગ્યા આસપાસ પોતાની કારમાં તેમના બે મિત્ર જગદીશભાઈ તથા વિમલભાઈ સાથે રવેશીયા ગામના વાડીના રસ્તે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ કારના આગળના બોનેટમાં એન્જિનમાં આગ લાગી હતી. આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે લલિતભાઈ અને તેમના બન્ને મિત્ર તાત્કાલિક કારમાંથી બહાર નીકળી ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ લલિતભાઈએ તાત્કાલિક કાલાવડ ફાયર સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. જો કે, આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે ફાયર બ્રિગેડની ટીમ પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કારને ભારે નુકસાન થયું હતું. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.