કરોડપતિ જુનિયરથી આઈપીએસ સુધીની સફર: જામનગરને મળ્યા પ્રેરણારૂપ નવા એસપી
પ્રેમસુખ ડેલૂના યશસ્વી કાર્યકાળને ભાવભીની વિદાય આપી બિરદાવાયો
જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકેનો સફળ કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રેમસુખ ડેલૂની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી થતા, જામનગર પોલીસ પરિવાર અને શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા એક ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે તેમના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સુદ્રઢ બનાવવા માટે કરેલી સખત મહેનત અને યશસ્વી કામગીરીને બિરદાવવામાં આવી હતી.આ વિદાય સમારંભમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જામનગર ડિસ્ટ્રિક્ટ જજ એન.આર. જોશી, કમિશનર ડી.એન. મોદી, જી.જી. હોસ્પિટલના ડીન નંદીની દેસાઈ, અને એરપોર્ટ મેનેજર ડી.કે. સિંહ સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં પ્રેમસુખ ડેલૂની ઉત્કૃષ્ટ કાર્યશૈલી, નિર્ણાયકતા અને નિષ્ઠાપૂર્વક ફરજ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી હતી અને તેમના યોગદાનને યાદગાર ગણાવ્યું હતું.

કરોડપતિ જુનિયરથી આઈપીએસ સુધીની સફર: જામનગરને મળ્યા પ્રેરણારૂપ નવા એસપી

રાજ્યના આઈપીએસ અધિકારીઓની બદલીના ભાગરૂપે, જામનગરને ડો. રવિ મોહન સૈનીના રૂપમાં નવા પોલીસ અધિક્ષક મળ્યા છે. રાજસ્થાનના વતની રવિ મોહન સૈનીની કારકિર્દી યુવાઓ માટે એક પ્રેરણાસ્ત્રોત સમાન છે. લગભગ અઢી દાયકા પહેલા, તેમણે પોતાની કિશોરાવસ્થામાં ‘કૌન બનેગા કરોડપતિ જુનિયર’ કાર્યક્રમમાં ભાગ લઈ તમામ પ્રશ્નોના સાચા જવાબ આપીને એક કરોડ રૂપિયાનું ઇનામ જીતીને દેશભરમાં નામના મેળવી હતી.તેમના પિતા નેવીમાં સેવારત હોવાથી તેમનો પ્રાથમિક અભ્યાસ વિશાખાપટ્ટનમની નેવલ પબ્લિક સ્કૂલમાં થયો હતો. અભ્યાસમાં તેજસ્વી એવા રવિ મોહન સૈનીએ જયપુરની પ્રતિષ્ઠિત મહાત્મા ગાંધી મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ડોક્ટર બનવાની સાથે સાથે તેમણે યુપીએસસીની તૈયારી પણ ચાલુ રાખી હતી. પોતાની મેડિકલ ઇન્ટર્નશિપ દરમિયાન જ તેમણે યુપીએસસીની કઠિન પરીક્ષા પાસ કરી અને આઈપીએસ ઓફિસર તરીકે દેશ સેવામાં જોડાયા. આમ, બાલ્યાવસ્થામાં પ્રખર જ્ઞાનથી કરોડપતિ બનવાથી લઈને ડોક્ટર અને હવે એક ઉચ્ચ પોલીસ અધિકારી બનવા સુધીની તેમની સફર ખરેખર અસાધારણ અને પ્રેરણાદાયક છે.
