વૃદ્ધાએ ગળામાં પહેરેલા ચેઇનનાં ત્રણ કટકા કરી બાઈક સવાર ફરાર, રણજીત નગર વિસ્તારમાં દિવસદહાડે બનેલી ઘટના, સીસીટીવી ફૂટેજના આધારે પોલીસની તપાસ
જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા પટેલ સમાજ સામેના હાઉસિંગ બોર્ડના ફ્લેટ A-1 નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 79 વર્ષીય વૃદ્ધા લક્ષ્મીબેન નાગડા સોનાના ચેઇનની ચીલઝડપનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં તેઓ ગળામાં ઈજા થતાં ઘાયલ થયા છે. પરિવારજનો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લક્ષ્મીબેન સાંજે ૮ કલાકે પોતાના ઘરના બીજા માળેથી નીચે ઉતરી બહાર જવા નીકળ્યા હતા અને નીચે રોડ પર પોતાના સંબંધીની ગાડી આવવાની રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે, એક અજાણ્યો ટુ-વ્હીલર ચાલક તેમની નજીક આવ્યો અને પાછળથી લક્ષ્મીબેનને પગમાં ઠોકર મારીને પાડી દીધા. ત્યારબાદ ગળામાં પહેરેલો સોનાનો ચેઇન ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો.
સ્નેચરે ચેઇનના ત્રણ ટુકડા કરી દીધા હતા અને ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, લક્ષ્મીબેને બૂમો પાડતા અજાણ્યા શખ્સો ગભરાઈ ગયા અને ચેઇન ત્યાં જ ફેંકીને ફરાર થઈ ગયા. આ ઘટનામાં વૃદ્ધા લક્ષ્મીબેનને ગળાના ભાગે ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પરિવારજનોએ આ બનાવ અંગે પોલીસને જાણ કરતા સિટી સી પોલીસે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ રણજીત નગર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.