ટેલિગ્રામ ચેનલ પર પીતળના ભાવ નક્કી કરતી બોગસ બ્રાસ B2B બુલેટીન ચેનલ અને રેટ કમિટી દ્વારા ભાવની માયાજાળ, નાના ઉદ્યોગકારો આર્થિક સંકટમાં
આર્થિક સુરક્ષાની જવાબદારી વિના, આ ચેનલ ખુલ્લેઆમ ડબ્બા ટ્રેડિંગની જેમ પીતળના બજારને નિયંત્રિત કરી રહી છે.તંત્રનું ધ્યાન માત્ર જુગાર, વરલી મટકા અને નાના-મોટા પરચુરણ સટ્ટા પકડવા પર કેન્દ્રિત
રાજકીય વગ અને એસોસિશન કથિત સંડોવણી, કૌભાંડની નિષ્પક્ષ તપાસની પ્રબળ માંગ
આશરે ૨૯,૦૦૦થી વધુ સભ્યો ધરાવતી આ ચેનલ પાસે કોઈ પણ પ્રકારનું સરકારી લાયસન્સ કે નોંધણી નથી
જામનગર: સૌરાષ્ટ્રના ઔદ્યોગિક પ્રાણ ગણાતા જામનગરના પ્રતિષ્ઠિત બ્રાસ ઉદ્યોગમાં હાલ એક મોટા અને સંગઠિત કૌભાંડની ગંધે ખળભળાટ મચાવ્યો છે. શહેરના બ્રાસ ઉદ્યોગનગરમાં કરોડો રૂપિયાનું પ્રાઈઝ મેનીપ્યુલેશન કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ઉદ્યોગકારોમાં બેફામ ચર્ચાઓ જાગી છે.
એક BrassB2B (Rate Bulletin) નામની ખાનગી ચેનલ અને તેની સાથે સંકળાયેલી ‘રેટ કમિટી’ દ્વારા બ્રાસના ભંગારના ભાવમાં કૃત્રિમ રીતે વધઘટ કરીને કરોડો રૂપિયાની કટકી કરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ સમગ્ર કાળા કારોબારમાં રાજકીય માંધાતાઓની સંડોવણી હોવાની પણ પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે સંબંધિત સરકારી તંત્ર જાણીજોઈને મૌન સેવી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના બ્રાસ પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં દરરોજ વિદેશથી હજારો ટન બ્રાસનો ભંગાર આયાત કરવામાં આવે છે. આ આયાતી ભંગારના ભાવ નક્કી કરવા માટે એક વ્યવસ્થિત તંત્ર ગોઠવવામાં આવ્યું છે, જેનું સંચાલન ટેલિગ્રામ પર ચાલતી એક ચેનલ દ્વારા થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, આશરે ૨૯,૦૦૦થી વધુ સભ્યો ધરાવતી આ ચેનલ પાસે કોઈ પણ પ્રકારનું સરકારી લાયસન્સ કે નોંધણી નથી. માત્ર એક લોગો રજીસ્ટર કરાવીને, ગ્રાહકોની કોઈપણ પ્રકારની આર્થિક સુરક્ષાની જવાબદારી વિના, આ ચેનલ ખુલ્લેઆમ ડબ્બા ટ્રેડિંગની જેમ પીતળના બજારને નિયંત્રિત કરી રહી છે.
આરોપો મુજબ, આ ચેનલના સંચાલકો અને કહેવાતી ‘રેટ કમિટી’ના સભ્યો દ્વારા સુનિયોજિત રીતે ભાવની માયાજાળ રચવામાં આવે છે. આ કૌભાંડની કાર્યપ્રણાલી મુજબ, પહેલા બજારમાં ઊંચા ભાવે હજારો ટનના સોદા કરવામાં આવે છે અને ત્યારબાદ અચાનક જ ભાવમાં મોટો ઘટાડો કરી નાખવામાં આવે છે. આ ‘પ્રાઈઝ કટિંગ’ દ્વારા જે કરોડો રૂપિયાનો નફો ઉભો થાય છે, તે અમુક ચોક્કસ વ્યક્તિઓ અને સમૂહો ઘરભેગો કરી લે છે. આ પ્રક્રિયાને કારણે, જે નાના અને મધ્યમ વર્ગના કારખાનેદારોએ ઊંચા ભાવે માલ ખરીદ્યો હોય છે, તેઓ આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે.
આ સટ્ટાખોરીએ જામનગરના સેંકડો નાના ઉદ્યોગકારોની કમર તોડી નાખી છે.સ્થાનિક ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, આ કોઈ સામાન્ય કૌભાંડ નથી, પરંતુ એક સંગઠિત ‘રીંગ’ છે જેમાં રાજકારણના મોટા ખેલાડીઓ પણ સામેલ છે. આ રાજકીય વગને કારણે જ સરકારી અધિકારીઓ પણ આ મામલે તપાસ કરતા ડર અનુભવી રહ્યા છે. તંત્રનું ધ્યાન માત્ર જુગાર, વરલી મટકા અને નાના-મોટા પરચુરણ સટ્ટા પકડવા પર કેન્દ્રિત છે, જ્યારે ઉદ્યોગ જગતને અંદરથી ખોખલું કરી રહેલા આટલા મોટા સંગઠિત કૌભાંડ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.એવી પણ માહિતી મળી છે કે, થોડા સમય પહેલા કેટલાક ડીલરો અને ચેનલના સંચાલકો વચ્ચે થયેલી આંતરિક માથાકૂટને કારણે આ બ્રાસ બી2બી ચેનલને બંધ કરવાની ફરજ પડી હતી. પરંતુ, નવાઈની વાત એ છે કે, જામનગરના એસોસિએશનના કથિત ટેકા અને કેટલાક સભ્યોના અંગત રસને કારણે આ ચેનલ ટૂંકા ગાળામાં જ ફરીથી ધમધમતી થઈ ગઈ છે. આ ઘટનાએ એસોસિએશનની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જામનગરના જાગૃત ઉદ્યોગકારો દ્વારા સરકાર સમક્ષ આ મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. તેમની માંગ છે કે આ ગેરકાયદેસર ચેનલને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, તેના સંચાલકો અને આ કૌભાંડ પાછળના તમામ મોટા માથાઓને કાયદાના સકંજામાં લેવામાં આવે. આ કૌભાંડ દ્વારા સરકારને થતી કરોડો રૂપિયાની ટેક્સ ચોરીને પણ અટકાવી, દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે. જો આ દિશામાં યોગ્ય તપાસ કરવામાં આવે તો રાજ્ય સ્તરે મોટા ખુલાસા થવાની સંભાવના નકારી શકાતી નથી.