
જામનગર, તા.આજે જામનગર શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત “કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર” અંતર્ગત મા ખોડલની શોભાયાત્રાનો ભવ્ય શુભારંભ થયો છે. આ શોભાયાત્રામાં બે ખાસ રથ જામનગર આવી પહોંચ્યા છે. એક રથ મા ખોડલને સમર્પિત છે, જ્યારે બીજો રથ કેન્સર હોસ્પિટલની થીમ પર આધારિત છે. આ રથો અત્યંત આકર્ષક રીતે સજ્જ કરવામાં આવ્યા છે અને તેમાં ખોડલ માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. જે માતાજી ના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી.

આ શોભાયાત્રાનો મુખ્ય હેતુ શ્રી ખોડિયાર માતાજીની આરાધના કરવાનો અને સમાજમાં એકતા અને સદભાવનાનું વાતાવરણ ઊભું કરવાનો છે. આજે સવારે 9:00 કલાકે રણજીત સાગર રોડ પર આવેલ સોમનાથ મહાદેવ મંદિરથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો છે. આ શોભાયાત્રા વોર્ડ નંબર 15 ના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે.

સોસાયટીના મુખ્ય સ્થળોએ માતાજીની મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગ્રીન સિટી, રાધે પાન – રઘુવીર પાર્ક સોસાયટી, અટલ ભવન – આવાસ, ગરબી ચોક – નીલકંઠ સોસાયટી, સરદાર ચોક – મયુર ટાઉનશીપ કોમન પ્લોટ – ખોડીયાર પાર્ક કોમન પ્લોટ – મયુર બાગ રાધે ચોક – પંચવટી સોસાયટી, આશીર્વાદ એવન્યુ – મેઈન ગેટ, આશીર્વાદ -2 મેઈન રોડ, ગોરડીયા હનુમાન મંદિર – શ્રીજી પાર્ક, શ્રીનાથજી પાર્ક, મારુતિનંદન, મારુતિ રેસીડેન્સી, સેટેલાઈટ પાર્ક, તુલસી એવન્યુ, સહજાનંદ સોસાયટી પાર્ક, તુલસી એવન્યુ સહજાનંદ સોસાયટી ખાતે સાંજે 7:00 વાગ્યે પૂર્ણ થશે. આ શોભાયાત્રામાં રાજકીય અને સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહીને માતાજીના વધામણા કરી રહ્યા છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજન, કીર્તન અને ગરબાનો સમાવેશ થાય છે. આ શોભાયાત્રા દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારો વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ રથનો પ્રારંભ રણજીતસાગર રોડ પર આવેલ યુવા પાર્ક માં સોમનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ધારાસભ્ય દિવ્યેશ અકબરી મેયર વિનોદ ખીમસુરીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયા તેમજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયા અને ટ્રસ્ટી ગોપાલભાઈ રૂપાપરા નાથાભાઈ મુંગરા,સહિત ના સર્વે સમાજના આગેવાનો ઉપસ્થિતિમાં મા ખોડલ નો રથ અને કેન્સર હોસ્પિટલના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

