પટેલ સમાજના જ્ઞાતી રત્ન એવા જેતપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના વરદ હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે
જામનગર તા. ૭, જામજોધપુર તાલુકાના માંડાસણ ગામના શ્રી સરદાર પટેલ સેવા સમાજ દ્વારા ગુજરાતના લોકલાડીલા નેતા અને સૌરાષ્ટ્રના સાવજ, લડાયક ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાની યાદગીરી સ્વરૂપે નવનિર્મિત પ્રતિમાનું અનાવરણ આવતીકાલે, શુક્રવારે સાંજે ૬:૦૦ કલાકે કરવામાં આવશે.
આ પ્રસંગે શ્રી વિઠ્ઠલભાઈના પુત્ર અને પટેલ સમાજના જ્ઞાતી રત્ન એવા જેતપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના વરદ હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.આ પ્રસંગે સાંજે ૬:૩૦ કલાકે પ્રવચન યોજાશે અને સાંજે ૭:૦૦ કલાકે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૯:૦૦ કલાકે રાસ કિર્તનનો કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલ (કૃષી મંત્રી, ગુજરાત રાજય), પુનમબેન માડમ (સાંસદ સભ્ય જામનગર, દેવભૂની દ્વારકા), દિવ્યેશભાઈ અકબરી (ધારાસભ્ય જામનગર), રમેશભાઈ હિલારા (ધારાસભ્યશ્રી, રાજકોટ), રમેશભાઈ મુંગરા (પ્રમુખ, જામનગર જીલ્લા ભાજ૫), વિનોદભાઈ ખીમસુરીયા (મેયર જામનગર) સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.શ્રી વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાએ તેમનું જીવન આમ જનતા અને ખેડૂતોની સેવામાં સમર્પિત કર્યું હતું. ખાસ કરીને માંડાસણ ગામના વિકાસમાં તેમનું અમુલ્ય યોગદાન રહ્યું છે. તેમના આદર્શોને જીવંત રાખવા અને નવી પેઢીને પ્રેરણા આપવા માટે આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.