શનિવારે બપોરે આરાધના હોટેલ નજીક ઘાતક અકસ્માત: મૃતક બાઈકચાલક રાજકોટના વેપારી: આ કારમાં શરાબની બોટલ નજરે ચઢી કારચાલકે રોંગસાઈડમાં બેફામ ધસી જઈ વેપારીના પ્રાણ હરી લીધાં !નાસી છૂટેલા કાર ચાલકની કારના ગ્લાસ પર આર્મી લખ્યુ છે,
ગુજરાત મિરર,: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં શિશાંગ નજીક શનિવારે બપોરે, રાજકોટના એક વેપારી વૃદ્ધ કાળનો કોળિયો બની ગયાનું રૂરલ પોલીસે જાહેર કર્યું છે. વેપારીના બાઈક પર, રોંગસાઈડમાં ધસી જઈને અકસ્માત સર્જનાર કારનો ચાલક ફરાર થઇ ગયો છે, કારના ગ્લાસ પર આર્મી લખેલુ હોવાથી કાર ચાલક આર્મીમેન હોવાનુ ચર્ચાઓ છે. અકસ્માત એટલો ઘાતક હતો કે, કારની ઠોકરે વેપારીના પ્રાણ ઘટનાસ્થળે જ હરી લીધાં. આ ગમખ્વાર અકસ્માતની કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાહેર થયેલી વિગતો અનુસાર, આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં ડ્રીમસીટી- રૈયાધાર વિસ્તારમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા વિજયકુમાર બચુભાઈ ભીંડે (૫૪) કે જેઓ રાજકોટ માં અનાજ કરીયાણાની હોલસેલ ની દુકાન ચલાવે છે.જેઓ ગઈકાલે પોતાના અનાજ કરિયાણા ના વેપારના કામ માટે પોતાનું બાઈક લઈને રાજકોટ થી કાલાવડ તાલુકાના શીસાંગ ગામે આવ્યા હતા
શિશાંગ ગામની ગોળાઈ પાસે અચાનક સામેથી ખોફનાક ગતિએ રોંગસાઈડમાં ધસી આવેલી પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે ૧૦ ડી.ઇ. ૮૯૯૫ નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં આ વેપારીના બાઈકને જોરદાર ટક્કર લગાવતાં આ બાઈકસવાર વેપારીને જે અકસ્માતમાં વેપારી વિજયભાઈ ભીંડે ને ગંભીર ઇજાઓ થઈ હતી, અને તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ ત્યાં તેઓનો મૃતદેહ જ પહોંચ્યો હતો અને ફરજ પર ના તબીબે વિજયભાઈ નું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર વંદિત વિજયભાઈ ભીંડેએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં જી.જે. ૧૮ ડી.ઇ. ૮૯૯૮ નંબરની કારના ચાલક સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે વિજયભાઈના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના બાદ એકત્ર થયેલાં ગ્રામજનોએ કારના અને અકસ્માત ના ફોટા તથા વીડિયોઝ વાયરલ કર્યા હોવાનું જાણવા મળેલ છે. કારની ડ્રાંઇવિંગ સીટની બાજુમાં શરાબની એક બોટલ સહિતનો સામાન આ વીડિયોઝમાં દેખાઈ રહ્યો છે. અને ઘટનાસ્થળે પહોંચેલી રૂરલ પોલીસે આ અકસ્માતની અન્ય કડીઓ તથા વિગતોની તપાસ શરૂ કરી છે અને આર્મી લખેલી કારના નંબર પરથી કારચાલકને શોધી કાઢવા તથા ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
