:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ નિર્ણય; ૯ નવેમ્બરથી રૂ. 15,000 કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પણ કરાશે
ગુજરાતમાં ચાલુ વર્ષે ભારે ચોમાસા બાદ આવેલા અસાધારણ કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના પાકને અભૂતપૂર્વ નુકસાન થયું છે, જેનાથી રાજ્યના અન્નદાતાઓ પર મોટી આફત આવી પડી છે. આ માવઠાના કારણે રાજ્યના અંદાજે 16,000 જેટલા ગામોમાં 42 લાખ હેક્ટર વિસ્તારમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક સંકટમાંથી ઉગારવા રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની મળેલી એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બાદ, રાજ્યના ધરતીપુત્રો માટે રૂપિયા 10 હજાર કરોડના વિશાળ રાહત-સહાય પેકેજની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ, ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આગામી ૯ નવેમ્બરથી રાજ્ય સરકાર દ્વારા રૂ. 15 હજાર કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગેની માહિતી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.” તેમણે ઉમેર્યું હતું કે, આ સંદર્ભે તેમણે પોતે તથા તેમના સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં પ્રવાસ કરીને અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી તેમની સ્થિતિ જાણી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.” આ ઉપરાંત, તેમણે ખેડૂતોને ખાતરી આપતા કહ્યું કે, “અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.”રાહત પેકેજની સાથે જ, રાજ્ય સરકાર ૯ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદીનો પણ પ્રારંભ કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરશે.
આ ખરીદી પ્રક્રિયાની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવની ખરીદી માટેની પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવી છે. ખેડૂતોને SMS દ્વારા જાણકારી આપવામાં આવશે અને તે પ્રમાણે ખેડૂતો નિયત ખરીદ કેન્દ્રો પર તેમનો જથ્થો પહોંચાડી શકશે. કૃષિ મંત્રીએ ઉમેર્યું કે, જરૂરિયાત મુજબ નવા સબ-સેન્ટર પણ ખોલવામાં આવશે અને રાજ્ય સરકારે પ્રતિ ખેડૂત 125 મણની ખરીદી કરવાની સૂચના આપી છે. તેમણે સ્પષ્ટતા કરી કે, કેન્દ્ર સરકારના નિયમો મુજબ આ નિર્ણય લેવાયો છે અને સમગ્ર દેશમાં આ પ્રમાણે જ ખરીદી થતી હોય છે. ભારત સરકારે મગફળી અને મગના ટેકાના ભાવોમાં વધારો કર્યો છે અને નિયમ પ્રમાણે 25% ખરીદીની જોગવાઈ હોવા છતાં, રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં સપ્રમાણમાં વધુમાં વધુ ખરીદી કરી શકાય તે માટે પ્રયત્નશીલ રહેશે.


