શહેરમાં કોલેરાના કેસો નોંધાયા હોવા છતાં આરોગ્ય વિભાગ અને ફૂડ શાખાની ગુનાહિત બેદરકારી: લાયસન્સ વિના ધમધમતા ‘જગ’ના કારોબારમાં સેવાળ અને જીવાતયુક્ત પાણીનું બેફામ વેચાણ, નાગરિકો રોગચાળાના મુખમાં.
જામનગર: જામનગર શહેરમાં હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે માત્ર ચિંતાજનક નથી પરંતુ શરમજનક છે. “શુદ્ધ પાણી”ના નામે વેચાતા ૨૦ લિટરના પાણીના જગ વાસ્તવમાં ૧૦૦% બીમારીનું ઘર સાબિત થઈ રહ્યા છે. શહેરમાં કોલેરા જેવા ગંભીર રોગના કેસો નોંધાયા હોવા છતાં, મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ અને ફૂડ શાખા કુંભકર્ણની નિદ્રામાં હોય તેવો ઘાટ સર્જાયો છે. તંત્રની આ ‘અંધેરી આલમ’માં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. એક તરફ શાસકો કરોડો રૂપિયાના ધુમાડા કરી પોલ્યુશન દૂર કરવાની અને સ્માર્ટ સિટી બનાવવાની ગુલબાંગો પોકારે છે, પરંતુ બીજી તરફ પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાતમાં જ ભયંકર ‘લાલિયાવાડી’ ચાલી રહી છે.
ભૂતકાળમાં પણ જગના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં જીવલેણ બેક્ટેરિયા અને દૂષિત તત્વો હોવાનું સ્પષ્ટ ખૂલ્યું હતું. તેમ છતાં, ભ્રષ્ટાચારની ઉધઈ અને કોઈ અદ્રશ્ય ‘વહીવટ’ બાદ આ કાળો કારોબાર ફરીથી ધમધમતો થઈ ગયો છે, જે તંત્રની રહેમનજર વિના શક્ય નથી.શહેરના ખૂણે-ખૂણે કોઈપણ જાતના લાયસન્સ કે પરમીશન વિના બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા પાણીના પ્લાન્ટ્સમાં ‘મિનરલ વોટર’ના નામે હળવું ઝેર વેચાઈ રહ્યું છે.
આ ૨૦ લિટરના જગમાં ભરાતું પાણી વાસ્તવમાં ફિલ્ટર હોય છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. ગ્રાહકો સુધી પહોંચતા આ જગની હાલત જોઈએ તો તેમાં જામી ગયેલી લીલા રંગની સેવાળ, કચરો અને પાણીમાં તરતી અશુદ્ધિઓ નરી આંખે જોઈ શકાય છે. અનેક કિસ્સાઓમાં ગંદી અને જૂની થઈ ગયેલી બોટલોને ધોયા વિના જ ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે, જેના કારણે તેમાં બેક્ટેરિયાનું સામ્રાજ્ય જામી જાય છે. આ ‘જગ માફિયાઓ’ કાયદાને ખિસ્સામાં રાખીને ફરે છે અને પ્રજાના પૈસે જ તેમને બીમારી પધરાવી રહ્યા છે. આ વ્યવસ્થિત કૌભાંડમાં માત્ર પાણી જ અશુદ્ધ નથી, પણ તેને વેચનારાઓના ઈરાદા પણ શુદ્ધ નથી, કારણ કે તેઓ નફા માટે માનવ જિંદગીને દાવ પર લગાવી રહ્યા છે.
આ દૂષિત પાણીના સેવનથી જામનગરવાસીઓ પર ગંભીર સ્વાસ્થ્ય સંકટ તોળાઈ રહ્યું છે. મેડિકલ નિષ્ણાતોના મતે, આવા અશુદ્ધ જગના પાણી પીવાથી કોલેરા, ટાઈફોઈડ, કમળો અને ઝાડા-ઉલ્ટી જેવા જીવલેણ રોગો થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેઓ આ દૂષિત પાણીનો ભોગ જલ્દી બને છે. અત્યારે સવાલ એ થાય છે કે તંત્ર ક્યારે જાગશે? શું કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોવાઈ રહી છે? જામનગરના પ્રબુદ્ધ નાગરિકોએ હવે જાતે જ જાગૃત થવું પડશે અને પોતાના પરિવારના સ્વાસ્થ્ય માટે બહારથી આવતા પાણીના જગની ચકાસણી કરવી પડશે અથવા તેને ટાળવું પડશે. જ્યાં સુધી તંત્ર આંખ આડા કાન કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આ ‘સફેદ પાણીનો કાળો કારોબાર’ આમ જ પ્રજાના સ્વાસ્થ્યને ભરખી જશે.


