સાધારણ સભામાં પ્રમુખ દ્વારા મહાનગરપાલિકા સાથે કરાયેલા MOU સામે 80% સભ્યોએ બુલંદ કર્યો વિરોધનો સૂર, સવાલોના જવાબ આપવામાં નિષ્ફળ હોદ્દેદારોએ વોક-આઉટ કરતાં પ્રમુખની સત્તા પર ઉઠ્યા ગંભીર સવાલો


જામનગરના દરેડ સ્થિત ઔદ્યોગિક વિસ્તારમાં ગરમાવો વ્યાપી ગયો છે, જ્યાં જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ગત ૨૧ તારીખે યોજાયેલી સાધારણ સભા તોફાની બની હતી અને તેના ઘેરા પડઘા સ્વરૂપે વર્તમાન સત્તાધારી પેનલને નમતું જોખીને તાત્કાલિક ચૂંટણી જાહેર કરવાની ફરજ પડી છે. જામનગર મહાનગરપાલિકા (JMC) સાથે કરવામાં આવેલ એક વિવાદાસ્પદ એમઓયુ (MOU) મુદ્દે ઉદ્યોગકારોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો, જ્યારે સાધારણ સભામાં હાજર 80% જેટલા ઉદ્યોગકારોએ એકસાથે આંગળી ઊંચી કરી એમઓયુ સામે પોતાનો સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો હતો. ઉદ્યોગકારો દ્વારા પૂછવામાં આવેલા સણસણતા સવાલોનો જવાબ આપવામાં વર્તમાન હોદ્દેદારો અને પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયાની પેનલ ગલ્લા-તલ્લા કરતી જોવા મળી હતી અને પરિસ્થિતિ વણસતા તેઓએ સભાનો બહિષ્કાર કરી સ્ટેજ પરથી વોક-આઉટ કરી લીધો હતો.

આ નાટકીય ઘટનાક્રમ બાદ ઉદ્યોગકારોના પ્રચંડ દબાણ હેઠળ, એસોસિએશન દ્વારા તાત્કાલિક અસરથી વર્ષ ૨૦૨૫ થી ૨૦૨૮ની કારોબારી સમિતિ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. વિવાદનું કેન્દ્રબિંદુ બનેલો આ એમઓયુનો મુદ્દો લાંબા સમયથી ચાલી રહ્યો હતો, જેમાં વિરોધ કરી રહેલા ઉદ્યોગકારોનો સ્પષ્ટ આરોપ છે કે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવી નથી અને સમિતિને અંધારામાં રાખીને નિર્ણય લેવાયો છે. તેમના કહ્યા મુજબ, તારીખ ૦૧.૦૯.૨૦૨૩ના રોજ સમિતિ દ્વારા જે ગુજરાતી મુસદ્દો તૈયાર કરી આપવામાં આવ્યો હતો, તેમાં ૦૩.૦૯.૨૦૨૩ની મિટિંગમાં સર્વાનુમતે ફેરફાર સૂચવવામાં આવ્યા હતા. ત્યારબાદ ૧૯.૧૦.૨૦૨૩ની મિટિંગ સુધી JMC તરફથી સુધારેલો મુસદ્દો ન મળતા કમિશ્નરને રજૂઆત કરવાનું નક્કી થયું હતું, પરંતુ આશ્ચર્યજનક રીતે ત્યારપછી કોઈ સમિતિ મિટિંગ જ બોલાવવામાં આવી ન હતી. ઉદ્યોગકારોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે JMC દ્વારા અંગ્રેજીમાં અંતિમ એમઓયુ તૈયાર કરવામાં આવ્યો, ત્યારે તેની છણાવટ કરવા માટે સમિતિની બેઠક શા માટે ન બોલાવવામાં આવી અને તારીખ ૧૩.૧૨.૨૦૨૩ના રોજ પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયાએ કઈ સત્તાના આધારે તેના પર હસ્તાક્ષર કર્યા? વિરોધી જૂથે સ્પષ્ટતા કરી છે કે તેઓ એમઓયુના વિરોધમાં નથી, પરંતુ તેમાં રહેલી ક્ષતિઓ અને જોગવાઈઓથી ઉદ્યોગકારોને જે કાયમી નુકસાન થઈ શકે છે, તેની સામે તેમનો વિરોધ છે.

આ તમામ ઘટનાક્રમ બાદ, દરેડ ફેસ-૨, પ્લોટ નં. ૯૦ ખાતે આવેલા “કૌશલ્ય ભવન” સ્થિત એસોસિએશન કાર્યાલય દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે, જે મુજબ ૨૭ થી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ઉમેદવારી ફોર્મનું વિતરણ અને સ્વીકૃતિ થશે, જેની ફી રૂ. ૨૦૦/- અને ડિપોઝિટ પેટે રૂ. ૨૫૦૦/- નો ચેક આપવાનો રહેશે. ૩૦ સપ્ટેમ્બરે ફોર્મ ચકાસણી, ૧ અને ૨ ઓક્ટોબરે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા, અને ૪ ઓક્ટોબરે ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ થશે. જો જરૂર જણાશે તો, ૧૨ ઓક્ટોબર ૨૦૨૫, રવિવારના રોજ સવારે ૮:૦૦ થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે અને તે જ દિવસે મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે ઉદ્યોગકારોનો આક્રોશ મતપેટીમાં કેવો રંગ લાવે છે અને એસોસિએશનની ધુરા કોના હાથમાં આવે છે.


