અરજીમાં હસુ પેઢડીયા નામના એક વ્યક્તિનો પણ ઉલ્લેખ, આઝાદ ભારતના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત, એક જ પરિવારના ૨૧ સભ્યોએ સામુહિક આત્મહત્યા કરવાની લેખિત જાહેરાત કરતાં સમગ્ર ગુજરાતના વહીવટી અને પોલીસ તંત્રમાં ખળભળાટ
લોઠિયા ગામના રાણપરિયા પરિવારે રાજકોટ રેન્જ આઈજીને લેખિત ફરિયાદ કરી, જો ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં નિષ્પક્ષ તપાસ નહીં થાય તો બાળકો અને વૃદ્ધો સહિત સમગ્ર પરિવાર જીવન ટૂંકાવશે. જામનગર ના સાંસદ, એસ.પી., એલસીબી અને સીટી-એ ડિવિઝનના પીઆઈ પર લગાવ્યા ગંભીર આરોપો..
જામનગર:આઝાદ ભારતના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત, એક જ પરિવારના ૨૧ સભ્યોએ સામુહિક આત્મહત્યા કરવાની લેખિત જાહેરાત કરતાં સમગ્ર ગુજરાતના વહીવટી અને પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જામનગર તાલુકાના લોઠિયા ગામમાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા મૂળજીભાઈ બાવનજીભાઈ રાણપરિયા અને તેમના પરિવારે સ્થાનિક રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓના અસહ્ય ત્રાસ, ખોટા કેસો અને શારીરિક-માનસિક અત્યાચારથી કંટાળીને આ અંતિમ પગલું ભરવાની જાહેરાત કરી છે. પરિવારે રાજકોટ રેન્જ આઈ.જી., ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે કે જો આગામી તારીખ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીમાં તેમની ફરિયાદ પર કોઈ નિષ્પક્ષ અને તટસ્થ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ તેમના બાળકો અને વૃદ્ધો સહિત પરિવારના તમામ ૨૧ સભ્યો સાથે જામનગર-લાલપુર રોડ પર આવેલી પોતાની ઓફિસ ખાતે સામુહિક આત્મહત્યા કરી લેશે.
આ ઘટનાએ જામનગરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચકચાર જગાવી છે.જામનગર તાલુકાના લોઠિયા ગામના વતની મૂળજીભાઈ બાવનજીભાઈ રાણપરિયા (પટેલ) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, તેમના પરિવારને છેલ્લા ઘણા સમયથી જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ, જામનગર જિલ્લાના એસ.પી., લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ના પી.આઈ. લગારીયા, અને જામનગર સીટી-એ ડિવિઝનના પી.આઈ. નિકુંજ ચાવડા દ્વારા સતત પરેશાન કરવામાં આવી રહ્યો છે.
અરજીમાં હસુ પેઢડીયા નામના એક વ્યક્તિનો પણ ઉલ્લેખ છે, જે આ સમગ્ર ષડયંત્રનો ભાગ હોવાનો આરોપ છે. મૂળજીભાઈનો મુખ્ય આરોપ એ છે કે રાજકીય દ્વેષભાવ અને સત્તાના દુરુપયોગ હેઠળ તેમના પરિવાર, ખાસ કરીને તેમના નાના પુત્ર ધર્મેશ રાણપરિયા વિરુદ્ધ વારંવાર ખોટા પોલીસ કેસ દાખલ કરવામાં આવે છે. પોલીસ કસ્ટડી દરમિયાન પરિવારના સભ્યો, જેમાં મહિલાઓ અને વડીલોનો પણ સમાવેશ થાય છે, તેમની સાથે કાયદાથી પર જઈને મારપીટ અને અમાનુષી અત્યાચાર કરવામાં આવે છે. આ સતત માનસિક અને શારીરિક ત્રાસને કારણે પરિવારે પોતાનું જીવન ટૂંકાવવાનો અત્યંત દુઃખદ નિર્ણય લીધો છે.
આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત તા. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ થઈ હતી, જ્યારે ધર્મેશ રાણપરિયા વિરુદ્ધ ફરિયાદોની એક શૃંખલા શરૂ કરવામાં આવી. તાજેતરમાં, સુધાબેન લાલજીભાઈ મારકણા નામની મહિલા દ્વારા ધર્મેશ અને અન્ય ચાર વ્યક્તિઓ વિરુદ્ધ રાજકીય ઈશારે એક ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હોવાનો પરિવારે દાવો કર્યો છે. આ કેસ બાદ ધર્મેશની અનેક વખત અટકાયત કરવામાં આવી હતી. પરિવારે ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ તા. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ તેમની ક્વાશિંગ અરજી નામંજૂર થઈ હતી. જોકે, પરિવારે હાર ન માની અને ભારતની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તા. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ આ કેસમાં આગળની તપાસ પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ, સુપ્રીમ કોર્ટના આદેશ છતાં, પરિવારને હેરાન કરવાના ઈરાદે, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ફરીથી એ જ ઘટનાના આધારે નવી ફરિયાદ નોંધવામાં આવી, જે ફક્ત પરિવારને પરેશાન કરવાનું એક માધ્યમ હોવાનો મૂળજીભાઈએ આક્ષેપ કર્યો છે.
મૂળજીભાઈએ પોતાની અરજીમાં વધુ ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે, પોલીસ કસ્ટડી દરમિયાન તેમના પુત્ર ધર્મેશને ટોર્ચર કરવામાં આવ્યો હતો અને સાક્ષી ન આપવા માટે સીટી ડીવાયએસપી ઝાલા અને અન્ય અધિકારીઓ દ્વારા સીધી ધમકીઓ આપવામાં આવી હતી. એટલું જ નહીં, પોલીસે કોઈપણ પ્રકારના વોરંટ વિના તેમના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશીને વૃદ્ધ દંપતી (મૂળજીભાઈ અને તેમના પત્ની) સાથે દુર્વ્યવહાર અને મારપીટ પણ કરી હતી.
આ અત્યાચાર અને અન્યાય સામે ન્યાયની માંગણી સાથે પરિવારે કેટલાક નક્કર પુરાવાઓની તપાસની માંગ કરી છે. તેમણે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ, આરોપી સાંસદ પૂનમબેન માડમ, હસુ પેઢડીયા અને સંબંધિત પોલીસ અધિકારીઓના મોબાઈલ ફોનના કોલ ડિટેઇલ રેકોર્ડ્સ (સીડીઆર) અને હોસ્પિટલના તબીબી રેકોર્ડ્સને જાહેર કરી તેની નિષ્પક્ષ ફોરેન્સિક તપાસ કરવાની ભારપૂર્વક માંગ ઉઠાવી છે, જેથી સત્ય બહાર આવી શકે.રાણપરિયા પરિવારે તેમની લેખિત રજૂઆત ડી.એસ.પી. જામનગર, એલ.સી.બી. પી.આઈ. જામનગર, સીટી એ-ડિવિઝન પી.આઈ. જામનગર, રાજકોટ રેન્જ આઈ.જી., ગુજરાત રાજ્યના ડી.જી.પી., મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલય, બાળ કલ્યાણ વિભાગ અને રાજ્ય તથા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને મોકલી છે.
તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે તેમના પરિવાર પર થઈ રહેલા અત્યાચારની તાત્કાલિક, નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય. જો શાસન અને પ્રશાસન તેમની વેદનાને સાંભળવામાં નિષ્ફળ જશે, તો આ પરિવારનું આત્યંતિક પગલું ગુજરાતના ઇતિહાસ પર એક કલંક બની રહેશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની રહેશે. આ ઘટનાએ ફરી એકવાર સત્તા અને ખાખી વર્દીના ગઠબંધન સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને એક લાચાર પરિવારની ન્યાય માટેની દર્દનાક પુકારને ઉજાગર કરી છે.


