
‘દરેડ GIDC મા સત્તાધીશો સામે ઉદ્યોગકારોનો હુંકાર’ લેખ વાયરલ થતાં સર્જાઈ ઐતિહાસિક જનજાગૃતિ, એડિટર દિપક ઠુંમ્મરની કલમે પ્રગટાવી પરિવર્તનની મશાલ
જામનગરના દરેડ GIDCમાં પાંચ હજારથી વધુ ઉદ્યોગકારોના વોટ્સએપ સમૂહમાં પ્રસિદ્ધ થયેલા લેખના પ્રભાવે સામાન્ય સભાને વિરાટ રેલીમાં ફેરવી, ઉદ્યોગકારોના મુદ્દા કેન્દ્ર સ્થાને આવ્યા.
જામનગર: તા. 21,લોકશાહીની ચોથી જાગીર ગણાતું પત્રકારત્વ જ્યારે જનતાનો અવાજ બને છે, ત્યારે કેવા અકલ્પનીય અને સકારાત્મક પરિણામો આવી શકે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે જામનગરના દરેડ ઔદ્યોગિક વસાહતમાં જોવા મળ્યું. ‘જામનગર મિરર’ ન્યૂઝ દ્વારા આજે બપોરના સમયે પ્રસિદ્ધ કરવામાં આવેલા એકમાત્ર લેખે જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની સાધારણ સભાના સમગ્ર દ્રશ્યને બદલી નાખ્યું હતું.

–“દરેડ GIDCમાં સત્તાધીશો સામે ઉદ્યોગકારોનો હુંકાર:”– શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલા આ વિગતવાર અને તથ્યાત્મક લેખને જ્યારે જીઆઈડીસીના પાંચ હજારથી વધુ સભ્યો ધરાવતા વોટ્સએપ ગ્રુપોના વિશાળ સમૂહમાં પ્રસારિત કરવામાં આવ્યો, ત્યારે તેની અસર આગની જેમ ફેલાઈ ગઈ. આ લેખના પડઘા એટલા ઊંડા અને પ્રભાવશાળી રહ્યા કે સાંજે યોજાયેલી એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં ઉદ્યોગકારોની એવી અભૂતપૂર્વ જનમેદની ઉમટી પડી કે જેણે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. સભા સ્થળ એક વિરાટ મંચમાં ફેરવાઈ ગયું હતું, જ્યાં દરેક ઉદ્યોગકારના ચહેરા પર જાગૃતિ અને પોતાના હક્ક માટે લડવાનો દ્રઢ નિશ્ચય સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.
‘જામનગર મિરર’ના એડિટર શ્રી દિપક ઠુંમ્મરની નીડર અને કટ્ટર કલમે ગતરોજ મળેલી ઉદ્યોગકારોની બેઠકમાં વ્યક્ત થયેલા આક્રોશ અને ઠોસ મુદ્દાઓને શબ્દશઃ વાચા આપી હતી. ડબલ ટેક્સના બોજ, એમઓયુની વિસંગતતાઓ અને કરોડો રૂપિયાના સર્વિસ ચાર્જ જેવા ગંભીર પ્રશ્નો પર દિનેશભાઇ ચાંગાણી, વિષ્ણુભાઈ પટેલ અને પરેશભાઈ સહિતના આગેવાનોએ ઉઠાવેલા તાર્કિક સવાલોને આ લેખ દ્વારા હજારો ઉદ્યોગકારો સુધી પહોંચાડવામાં આવ્યા. અત્યાર સુધી જે ચર્ચાઓ બંધ બારણે થતી હતી, તે મુદ્દાઓને ‘જામનગર મિરર’ના માધ્યમથી એક સાર્વજનિક ઓળખ મળી, જેના કારણે સામાન્ય સભ્યોમાં પણ અસાધારણ જાગૃતિ આવી.
આ લેખ માત્ર સમાચાર નહોતો, પરંતુ ઉદ્યોગકારોના દબાયેલા અવાજનું પ્રતિબિંબ હતો, જેણે દરેક સભ્યને સભામાં હાજર રહીને પોતાની ભાગીદારી નોંધાવવા માટે પ્રેરિત કર્યા. પરિણામે, જે સાધારણ સભાઓમાં સામાન્ય રીતે કોરમ પૂરો કરવાની ચિંતા રહેતી હતી, ત્યાં આજે પગ મૂકવાની પણ જગ્યા નહોતી. આ ઐતિહાસિક માનવ મહેરામણ એ વાતનો પુરાવો હતો કે જ્યારે સત્યને યોગ્ય માધ્યમ મળે છે, ત્યારે જનતા પરિવર્તન માટે સક્રિય બને છે. ‘જામનગર મિરર’ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી અને નિમિત્ત બનવા બદલ ગૌરવ અનુભવે છે અને પોતાના તમામ પ્રેક્ષક મિત્રો તથા વાચકોનો તેમના અતૂટ વિશ્વાસ અને સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર માને છે.


