spot_img

જામનગરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા સરદાર જયંતિની ભવ્ય ઉજવણી: આવતીકાલે “સરદાર એકતા રેલી” યોજાશે, નવનિર્મિત બેંકવેટ હોલ અને વિંગ સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન: સરદાર ચોક ખાતે પ્રતિમાને ફુલહાર બાદ સમાજ ભવન ખાતે વિશાળ પોર્ટ્રેટ નું અનાવરણ અને નવા વર્ષનું સ્નેહમિલન પણ યોજાશે

જામનગર: અખંડ ભારતના નિર્માતા અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી ગૌરવવંતી જન્મ જયંતિ નિમિત્તે, જામનગર શહેર-જીલ્લા મા શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા આવતીકાલે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રિય એકતા અને અખંડીતતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી, શ્રી લેઉવા પટેલ સમાજ, જામનગર શહેર-જીલ્લા દ્વારા સૌપ્રથમ “સરદાર એકતા રેલી”નું આયોજન કરાયું છે.

આ બાઈક રેલી આવતીકાલે સવારે ૮:૩૦ કલાકે સેટેલાઈટ પાર્ટી પ્લોટ ખાતેથી પ્રસ્થાન કરશે, જે શહેરના મુખ્ય માર્ગો જેવા કે રણજીતસાગર રોડ, પવનચકકી, તથા સુમેર ક્લબ રોડ પરથી પસાર થઈને સવારે ૧૦:૦૦ વાગ્યે રણજીતનગર સ્થિત લેઉવા પટેલ સમાજ ભવન ખાતે સંપન્ન થશે. આ ઉપરાંત, કાર્યક્રમની શરૂઆતમાં સરદાર ચોક ખાતે સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.

ત્યારબાદ, સવારે ૧૦:૩૦ કલાકે લેઉવા પટેલ સમાજ, રણજીતનગર ખાતે સમાજ ભવનની બિલ્ડિંગની દીવાલ પર બંને તરફ વિશાળ પિલર ઊભા કરીને, તેની વચ્ચે તૈયાર કરવામાં આવેલ સરદાર પટેલના અત્યંત આકર્ષક અને વિશાળ પોર્ટ્રેટનું અનાવરણ કરવામાં આવશે. આ સાથે જ, સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયાની દેખરેખ હેઠળ અને સમાજના દાતાઓના કરોડો રૂપિયાના દાનમાંથી નિર્માણ પામેલ, એકદમ આકર્ષક અને મજબૂત એવા બીજા એસી. હોલ (બેંકવેટ હોલ) તથા વિવિધ કાર્યક્રમો માટે તૈયાર કરાયેલ વિશાળ વિંગ્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

આ પ્રતિષ્ઠિત લોકાર્પણ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, દાતાઓ અને સમાજના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહેશે. અંતમાં, દિવાળી પર્વની ઉજવણી બાદ દર વર્ષની પરંપરા મુજબ, સવારે ૧૧:૦૦ કલાકે સમાજ ભવન ખાતે જ જ્ઞાતિજનો માટે નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા દ્વારા ઉપરોક્ત તમામ કાર્યક્રમોમાં જ્ઞાતિજનોને બહોળી સંખ્યામાં જોડાઈને સરદાર જયંતિની ઉજવણીને યાદગાર બનાવવા માટે ભાવભર્યો અનુરોધ કરવામાં આવ્યો છે.

જામનગર આવતીકાલે ‘રન ફોર યુનિટી’ માટે દોડશે: સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ભવ્ય ઉજવણી

જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત જનદોડમાં હજારો નાગરિકો જોડાશે; રણમલ તળાવથી રણજીતનગર સરદાર પટેલ પ્રતિમા સુધી યોજાનારી દોડને મહાનુભાવો લીલી ઝંડી આપશે

સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ‘અખંડ ભારતના શિલ્પી’ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી ગૌરવશાળી જન્મજયંતિના અવસરે, સમગ્ર દેશની સાથે જામનગર શહેર પણ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. આ ઐતિહાસિક દિવસની ઉજવણીના ભાગરૂપે, આવતીકાલે ૭:૦૦ કલાકે, જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ‘રન ફોર યુનિટી – ૨૦૨૫’ જનદોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ એકતા દોડ શહેરના હાર્દસમા રણમલ તળાવ (લાખોટા તળાવ) ના ગેટ નં. ૧ થી પ્રારંભ થશે અને રણજીતનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થશે. આ જનદોડનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર સાહેબના જીવન-કવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો છે, જેમાં હજારોની સંખ્યામાં નગરજનો દેશપ્રેમની ભાવના સાથે જોડાઈને આ ઉજવણીને ચાર ચાંદ લગાવશે.

આ ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં નાગરિકોનો ઉત્સાહ વધારવા અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જામનગરના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણી મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં માનનીય સાંસદ સભ્યશ્રી પુનમબેન માડમ અને ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગના માનનીય મંત્રીશ્રી શ્રીમતિ રીવાબા જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમની સાથે, જામનગર ગ્રામ્યના માનનીય ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ, જામનગરના માનનીય ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, કાલાવડના માનનીય ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા તથા જામજોધપુરના માનનીય ધારાસભ્યશ્રી હેમંતભાઈ ખવા પણ જોડાશે. આ ઉપરાંત, જામનગર શહેરના પ્રથમ નાગરિક, માનનીય મેયરશ્રી વિનોદભાઇ ખીમસૂર્યા, માનનીય ડેપ્યુટી મેયરશ્રી શ્રીમતિ ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેનશ્રી નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના માનનીય નેતાશ્રી આશિષભાઈ જોષી, વિરોધ પક્ષના માનનીય નેતાશ્રી ધવલભાઈ નંદા, માનનીય દંડકશ્રી કેતનભાઈ નાખવા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય ચેરમેનશ્રી પરસોત્તમભાઈ કકનાણી સહિતના પદાધિકારીઓ આ દોડમાં પ્રેરક બળ પૂરું પાડશે. સાથોસાથ, જીલ્લા પંચાયત, જામનગરના પ્રમુખશ્રી શ્રીમતિ મેયબેન ગલાભાઈ ગરસર પણ આ રાષ્ટ્રીય પર્વમાં સહભાગી થશે.જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ એકતા દોડનો પ્રારંભ શુક્રવારે સવારે બરાબર ૭:૦૦ કલાકે રણમલ તળાવના ગેટ નં. ૧ ખાતેથી થશે, જે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ, શ્યામજીકૃષ્ણ વર્મા સર્કલ પાસેથી રણજીતનગર તરફ આગળ વધીને સરદાર પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થશે, જ્યાં મહાનુભાવો દ્વારા સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.

આયોજકો, એટલે કે જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જામનગરના તમામ નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને રમતવીરોને આ ‘રન ફોર યુનિટી’માં મોટી સંખ્યામાં જોડાઈને રાષ્ટ્રીય એકતાના આ મહાપર્વને સફળ બનાવવા અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને શહેરના યુવાવર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આવતીકાલે સવારે જામનગરની સડકો ‘ભારત માતા કી જય’ અને ‘સરદાર પટેલ અમર રહો’ના નારાઓથી ગુંજી ઉઠશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles