નાઘેડી વિસ્તારના લહેર તળાવ પાસે બનેલી ઘટના, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે પિતા અને બે બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા
જામનગર શહેરના નાઘેડી વિસ્તારમાં પોદાર સ્કૂલ નજીક આવેલા એક તળાવમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોતથી સમગ્ર શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા પ્રજાપતિ કુંભાર પરિવારના વડા અને તેમના બે બાળકો તળાવના ઊંડા ખાડામાં ડૂબી જતાં તેમનું જીવનદીપ બુઝાઈ ગયું હતું.આ દુઃખદ ઘટના ગણેશ વિસર્જનના પર્વ પર બની હતી. મૃતકોની ઓળખ પ્રિતેશ દિનેશભાઈ રાવલ (ઉંમર ૩૬ વર્ષ) અને તેમના પુત્રો સંજય રાવલ (ઉંમર ૧૬ વર્ષ) તથા અંશ રાવલ (ઉંમર ૪ વર્ષ) તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, ત્રણેય સભ્યો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે નાઘેડી નજીક આવેલા લહેર તળાવના પાછળના ભાગે પહોંચ્યા હતા. વિસર્જન દરમિયાન જ કોઈ અકસ્માતે તેઓ તળાવમાં ઊંડા ખાડામાં સરકી પડ્યા હતા અને ડૂબી જવાથી તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
ફાયર બ્રિગેડ અને પોલીસની તાત્કાલિક કામગીરીઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ વિભાગ અને પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પી.આઈ. રાઠોડ અને તેમની ટીમની આગેવાની હેઠળ ફાયર બ્રિગેડના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. થોડા જ સમયમાં, પિતા અને તેમના બંને બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ, મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને અન્ય કાનૂની કાર્યવાહી માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે.
સમાજમાં શોક અને ચિંતાનો માહોલએક જ પરિવારના ત્રણ સભ્યોના આકસ્મિક અને કરુણ મૃત્યુના સમાચારથી પ્રજાપતિ કુંભાર સમાજ અને સમગ્ર રામેશ્વર નગર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. આ દુર્ઘટનાએ સમાજમાં ઊંડી શોકની લાગણી ફેલાવી છે અને અરેરાટી મચાવી છે.ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે શહેરમાં ખાસ કુંડ બનાવવામાં આવ્યા છે, જેથી ભક્તો સુરક્ષિત રીતે વિસર્જન કરી શકે. જોકે, તેમ છતાં લોકો અન્ય સ્થળોએ વિસર્જન કરવા જતાં હોવાથી આવી દુર્ઘટનાઓ દર વર્ષે બને છે. આ ઘટના બાદ તંત્ર દ્વારા ફરી એકવાર લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ માત્ર નિર્ધારિત અને સુરક્ષિત સ્થળોએ જ ગણેશ વિસર્જન કરે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને.


