૧૦૫ કાર્ડિયાક પ્રોસીજરમાં ક્ષતિ બદલ ૬ લાખથી વધુનો દંડ; પાલનપુર અને જૂનાગઢની હોસ્પિટલોને પણ ૫૦-૫૦ હજાર ફટકારાયા:આરોગ્ય મંત્રીના આકરા પગલા
રાજ્યમાં આરોગ્ય સેવાઓમાં પારદર્શકતા લાવવા અને સરકારી યોજનાઓનો દુરુપયોગ રોકવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને PMJAY-મા યોજનામાંનેતૃત્વમાં આરોગ્ય વિભાગે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે આરોગ્ય તંત્રએ લાલ આંખ કરી છે, જે અંતર્ગત જામનગરની એક જાણીતી હાર્ટ હોસ્પિટલ સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર સ્થિત JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની કામગીરીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું હતું કે આ હોસ્પિટલ દ્વારા યોજનાની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવતું ન હતું અને કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી રહી હતી. હોસ્પિટલને કુલ ૧૦૫ કાર્ડિયાક પ્રોસીજરોમાં ગેરરીતિ કરવા બદલ રૂ. ૬ લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.આ ગંભીર ગેરરીતિ મામલે હોસ્પિટલના ડોક્ટર પાર્શ્વ વ્હોરા (રજીસ્ટ્રેશન નંબર G-28538) ને પણ કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિઓ બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, આ હોસ્પિટલ દ્વારા PMJAY ના બે કેસોમાં લેબોરેટરી રિપોર્ટ સાથે અને એક કેસમાં ECG રિપોર્ટ સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ છેડછાડ કરીને લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીજરની તાત્કાલિક જરૂરિયાત હોવાનું ખોટી રીતે દર્શાવવામાં આવ્યું હતું.આટલું જ નહીં, જ્યારે રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા કુલ ૨૬૨ કેસોની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી, ત્યારે તેમાંથી ૫૩ કેસોમાં ગંભીર વિસંગતતાઓ જોવા મળી હતી.

આ તપાસમાં સ્પષ્ટપણે બહાર આવ્યું કે ઘણા કેસોમાં દર્દીને જરૂર ન હોવા છતાં પણ નાણાકીય લાભ મેળવવા કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી હતી.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને સુચારૂ અને લોકહિતકારી બનાવવા પ્રયત્નશીલ છે. “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદરૂપ છે, તેથી તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, ભ્રષ્ટાચાર કે માનવતા વિરોધી બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં કરવામાં આવેલા આકસ્મિક નિરીક્ષણ દરમિયાન અન્ય બે ખાનગી હોસ્પિટલો પણ યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરતી હોવાનું માલૂમ પડ્યું હતું. આ હોસ્પિટલો પૈકી, પાલનપુર ખાતે આવેલી સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાય અન્ય ડોક્ટર દ્વારા સર્જરી કરવામાં આવતી હોવાનું પકડાતા તેને રૂ. ૫૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, જૂનાગઢ ખાતે આવેલી સમન્વય હોસ્પિટલને પણ નિયત કરેલા પેકેજ કરતાં વધુ રૂપિયાની લાલચમાં અન્ય પેકેજ બુક કરવા બદલ રૂ. ૫૦ હજારનો દંડ ફટકારીને તાકીદ કરવામાં આવી છે.


