દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે કલા અને આસ્થાનો અનોખો સંગમ; આઇ શ્રી ખોડિયાર માતાજી ઉપરાંત માં દુર્ગા અને કામધેનુ ગાયની ભવ્ય રંગોળીઓ પણ તૈયાર કરાઈ
જામનગર: દીપાવલીના પવિત્ર તહેવારો અને નૂતન વર્ષના આગમનને વધાવવા માટે જામનગર શહેરના ગોકુલ નગર વિસ્તારમાં, હરિયા કોલેજ પાસે આવેલા નારાયણ નગર ખાતે રહેતી એક યુવા કલાકારે પોતાની અદભુત કલાનું પ્રદર્શન કર્યું છે. આર્કિટેક્ચરના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલી પ્રતિભાશાળી યુવતી ઇશિતા નારિયા દ્વારા, સતત બે દિવસની અથાક મહેનત અને કલા સાધના બાદ, વિવિધ આકર્ષક કલરોનો ઉપયોગ કરીને આઇ શ્રી ખોડિયાર માતાજીની ૩૨ ફૂટની વિશાળ અને ભવ્ય રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું છે.


નવા વર્ષને આવકારવા અને પોતાની કલાને એક નમૂના રૂપે રજૂ કરવાના હેતુથી તૈયાર કરાયેલી આ કલાકૃતિ અત્યારે મુલાકાતીઓ અને કલાપ્રેમીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે. માતાજીના દિવ્ય સ્વરૂપને રંગો દ્વારા જીવંત કરતી આ વિરાટ રંગોળીની સાથોસાથ, ઇશિતાએ તે જ સ્થળે બાજુમાં માં દુર્ગા અને પવિત્ર કામધેનુ ગાયની અન્ય બે વિશાળ રંગોળીઓ પણ સર્જી છે. આ ત્રણેય કલાકૃતિઓ એકસાથે મળીને ધર્મ, આસ્થા અને કલાનો એક અનોખો ત્રિવેણી સંગમ રચી રહી છે, જેને નિહાળવા માટે નારાયણ નગરમાં આવેલા આ બંગલા ખાતે લોકો ઉમટી રહ્યા છે અને આ યુવા આર્કીટેક-આર્ટિસ્ટની કલાને મન ભરીને બિરદાવી રહ્યા છે.




