પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી પર જીવલેણ હુમલાના સાત વર્ષ જૂના કેસનો અંત, બચાવપક્ષના વકીલોની ધારદાર દલીલો કોર્ટે માન્ય રાખી
જામનગર:
જામનગરના રાજકીય અને સામાજિક ક્ષેત્રે ભારે ચકચાર જગાવનાર પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી પર થયેલા ફાયરિંગ અને જીવલેણ હુમલાના કેસમાં આજે જામનગરની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે પોતાનો મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે જેમના નામ હતા તેવા ભાજપના અગ્રણી હસમુખભાઈ પેઢડિયા ઉર્ફે પટેલ તથા યોગેશભાઈ અકબરીને સેશન્સ જજ શ્રી એન. આર. જોશીએ તમામ આરોપોમાંથી મુક્ત કરી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસની વિગતો એવી છે કે આજથી લગભગ સાત વર્ષ પૂર્વે, તારીખ ૧૯ જૂન, ૨૦૧૮ની રાત્રિના સમયે આ બનાવ બનવા પામ્યો હતો. જામનગરના પૂર્વ કોર્પોરેટર અને કુખ્યાત ગુજસીટોકના આરોપી એવા અતુલ ભંડેરી જ્યારે શહેરના લાલપુર બાયપાસ રોડ પર આવેલા કીર્તિ પેટ્રોલપંપ પાસે હાજર હતા, તે સમયે રાત્રિના બાર વાગ્યાના સુમારે એક ફોરવીલ ગાડીમાં આવેલા શખ્સો દ્વારા તેમના પર ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ ગંભીર ઘટના અંગે અતુલ ભંડેરી દ્વારા જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં તેમણે ભાજપના અગ્રણી હસમુખભાઈ પેઢડિયા તથા તેમના સાગરિત યોગેશભાઈ અકબરી પર આ હુમલો કરાવ્યાનો સીધો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૭ (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧)(એ) હેઠળ ગંભીર ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, સમગ્ર કેસની સુનાવણી દરમિયાન બચાવપક્ષ દ્વારા સતત એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ફરિયાદ માત્રને માત્ર હસમુખભાઈ પેઢડિયા તથા યોગેશભાઇ અકબરીની સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠાને કલંકિત કરવાના બદઇરાદાથી કરવામાં આવેલી એક પાયાવિહોણી ફરિયાદ છે.
આ અતિ ચકચારી કેસ જામનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એન. આર. જોશીની કોર્ટમાં ચાલી રહ્યો હતો. લાંબી કાયદાકીય પ્રક્રિયા અને બંને પક્ષોની દલીલો બાદ, બચાવપક્ષ તરફથી રોકાયેલા શહેરના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી પી. એમ. બુચ તથા સિનિયર ધારાશાસ્ત્રી શ્રીમતી કોમલબેન ભટ્ટે રજૂ કરેલા પુરાવાઓ અને ધારદાર દલીલોએ કેસની દિશા બદલી નાખી હતી. તેમની સહાયમાં એડવોકેટ અવની ડેલવાડિયા અને ફેઝલ ચર્યા પણ રોકાયેલા હતા. બચાવપક્ષની ઉત્તમ તપાસ અને તર્કબદ્ધ દલીલોને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે અંતિમ ચુકાદો આપતા ઠેરવ્યું કે, આરોપીઓ વિરુદ્ધ ગુનો સાબિત કરવા માટે ફરિયાદી પક્ષ પૂરતા અને મજબૂત પુરાવાઓ રેકર્ડ પર રજૂ કરી શક્યો નથી. આથી, કોર્ટે હસમુખભાઈ પેઢડિયા અને યોગેશભાઈ અકબરીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદા સાથે જ જામનગરના રાજકારણમાં વર્ષો સુધી ગરમાવો લાવનાર એક ચકચારી કેસનો અંત આવ્યો છે.


