બચાવ પક્ષની ધારદાર દલીલો અને પુરાવાના અભાવે કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો કર્યો હુકમ
જામનગર: જામનગર જિલ્લાના સિક્કા ગામમાં સગીરા પર થયેલા અત્યંત સંવેદનશીલ અને ચકચારી સામૂહિક બળાત્કારના કેસમાં, જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે પાંચ પૈકીના એક મુખ્ય આરોપી સતાર અજીજ ખીમાણીને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાએ સમગ્ર પંથકમાં ફરીથી ચકચાર જગાવી છે.આ કેસની વિગતો મુજબ, ભોગ બનનાર સગીરાએ સિક્કા પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીઓએ અલગ-અલગ સમયે અને અલગ-અલગ સ્થળોએ તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એકથી વધુ વખત બળાત્કાર ગુજાર્યો હતો.
આ ગંભીર આરોપોના આધારે, પોલીસે સતાર અજીજ ખીમાણી સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈ.પી.સી) ની કલમ-૩૭૬(૨)(એન), ૫૦૬(૨), ૩૨૩, ૩૬૩, ૧૧૪, પોક્સો એક્ટની કલમ-૪, ૬ અને એટ્રોસિટી એક્ટની કલમ-૩(૨)(૫) જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તમામની ધરપકડ કરી હતી. તપાસ અધિકારી દ્વારા જરૂરી પુરાવા એકત્રિત કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.નામદાર કોર્ટમાં આ કેસની સુનાવણી શરૂ થતા, ફરિયાદી પક્ષે પોતાનો કેસ સાબિત કરવા માટે મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓની લાંબી હારમાળા રજૂ કરી હતી અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.
જેની સામે, આરોપી સતાર ખીમાણીના બચાવપક્ષે સિનિયર એડવોકેટ અશોક એચ. જોશીએ ધારદાર દલીલો કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના અસીલ તદ્દન નિર્દોષ છે, તેમણે કોઈ જ ગુનો કર્યો નથી અને તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે.બંને પક્ષોની વિસ્તૃત દલીલો અને રજૂ થયેલા પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી બાદ, જામનગરના સ્પેશિયલ પોક્સો જજે બચાવપક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે ઠરાવ્યું હતું કે ફરિયાદી પક્ષ આરોપી સતાર અજીજ ખીમાણી વિરુદ્ધ પોતાનો કેસ નિઃશંકપણે સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યો છે. આ અવલોકન સાથે, કોર્ટે આરોપી સતાર ખીમાણીને નિર્દોષ ઠરાવીને તેમને કેસમાંથી મુક્ત કરવાનો આદેશ ફરમાવ્યો હતો.આ કેસમાં આરોપી સતાર ખીમાણી તરફથી વકીલ અશોક. એચ. જોશી, મોહસીન એચ. ખારા, પ્રદિપ પી. મકવાણા, સાહીદ એચ. રૂન્જા અને જ્યોતિ બી. પરમાર કોર્ટમાં હાજર રહ્યા હતા.


