આવતીકાલે સાંજે ૮:૩૦ કલાકે વી.વાય.ઓ. વ્રજધામ હવેલી લાલપુર રોડ ખાતે વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ સાન્નિધ્યમાં જામનગરવાસીઓ ફૂલ-ફાગના રંગે રંગાશે
જામનગર , છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગર શહેર હવે કૃષ્ણભક્તિના અદભુત રંગે રંગાવા સજ્જ બન્યું છે. ‘વધાઈ… વધાઈ… વધાઈ…’ ના નાદ સાથે સમગ્ર શહેરમાં એક આધ્યાત્મિક ચેતનાનો સંચાર થયો છે. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (વી.વાય.ઓ.), જામનગર શાખા દ્વારા શહેરના આંગણે એક ભવ્ય અને દિવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી વલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની વિશેષ પ્રેરણા અને તેમના મંગલ સાન્નિધ્યમાં ‘હોલી રસિયા – સંગ ફૂલ ફાગ ઉત્સવ’ નું આયોજન નિર્ધારિત થયું છે. આ પ્રસંગે વૈષ્ણવ સૃષ્ટિમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને યુવા વર્ગ આ ભક્તિમય કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ કરી રહ્યો છે.આ ભક્તિરસ સભર કાર્યક્રમની વિગતો જોઈએ તો, આવતીકાલે ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવારના રોજ સાંજે ૮:૩૦ કલાકે ભવ્ય હોલી રસિયાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉત્સવ વી.વાય.ઓ. વ્રજધામ હવેલી, સહજાનંદ પાર્ક, ક્રિસ કોમ્પલેક્ષની સામેનો રોડ, લાલપુર ચોકડી પાસે, નવી હવેલીની જગ્યા ખાતે જામનગરમાં યોજાશે. હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં પ્રભુ સાથેના પ્રેમ અને સાખ્યભાવનું પ્રતીક છે. આ કાર્યક્રમમાં ‘સંગ ફૂલ ફાગ ઉત્સવ’ અંતર્ગત ભક્તો પ્રભુ ભક્તિમાં લીન થઈને ફૂલો અને ફાગના ઉત્સવનો લ્હાવો લેશે. પૂજ્ય મહારાજશ્રીના સાન્નિધ્યમાં યોજાનાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભક્તિરસમાં તરબોળ થવા માટે વી.વાય.ઓ. જામનગર પરિવાર દ્વારા સર્વે વૈષ્ણવજનોને હૃદયપૂર્વક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ઉત્સવની પૂર્ણાહુતિ બાદ સર્વે ભાવિકો માટે સાથે અલ્પાહારનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જે સામાજિક સમરસતા અને વૈષ્ણવો વચ્ચેના સ્નેહનું પ્રતિક છે. આ ઉપરાંત, ધાર્મિક દ્રષ્ટિએ વધુ એક મહત્વનો કાર્યક્રમ પણ યોજાશે. જે ભક્તો બ્રહ્મસંબંધ દીક્ષા લેવા ઈચ્છુક છે અથવા શ્રી ઠાકોરજી પુષ્ટ કરાવવા માંગે છે, તેમના માટે તારીખ ૨૧-૦૨-૨૦૨૬ (શનિવાર) ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે પૂજ્ય મહારાજશ્રીના સાન્નિધ્યમાં વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આમ, જામનગરની ધરા પર બે દિવસ સુધી ભક્તિ, સત્સંગ અને ઉત્સવના અવસરને વધાવવા વી.વાય.ઓ. જામનગર પરિવાર આતુર છે.


