
મનોરથી પટેલ પરિવાર દ્વારા આયોજિત માંગલિક પ્રસંગમાં એક હજાર થી વધુ ભાવિકોએ મહાપ્રસાદ નો લાભ લીધો; ‘ઠાકોરજીના આ દિવ્ય વરઘોડાથી પ્રભાવિત થઈ, શ્રદ્ધાળુ ભક્તોએ બેન્ડ પાર્ટી પર હજારો રૂપિયાના દાનનો રીતસર વરસાદ વરસાવ્યો

જામનગર:દેવદિવાળી એટલે કે દેવઉઠી એકાદશીના પરમ પવિત્ર દિવસે, ‘છોટી કાશી’ તરીકે વિખ્યાત જામનગર શહેર ભક્તિરસમાં તરબોળ થયું હતું. ગત રવિવારે, કારતક સુદ એકાદશીના શુભ અવસરે, શહેરના ગોકુલ નગર વિસ્તારમાં આવેલ કૈલાશ નગરમાં વસતા બે મનોરથી પટેલ પરિવાર દ્વારા ‘તુલસી વિવાહ’ના ભવ્ય અને માંગલિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અનોખા વિવાહ સમારોહમાં, ભગવાન વિષ્ણુના બાલ સ્વરૂપ એવા શાલિગ્રામજીની ઠાઠમાઠથી જાન કાઢવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો હર્ષ અને ઉમંગ સાથે થનગની ઉઠ્યા હતા.વરપક્ષ તરીકે, ભગવાન શાલિગ્રામની જાન લાલપુર બાયપાસ નજીક આવેલા સેટેલાઇટ પાર્ક વિસ્તારમાં રહેતા પરિવારના નિવાસસ્થાનેથી વાજતેગાજતે પ્રસ્થાન થઈ હતી.

આ જાનમાં ‘માં દર્શન ગૌશાળા’ની બેન્ડ પાર્ટીએ ગીત-સંગીતની એવી સૂરાવલિઓ વહાવી હતી કે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઠાકોરજીના આ દિવ્ય વરઘોડાથી પ્રભાવિત થઈ, શ્રદ્ધાળુ ભક્તોએ બેન્ડ પાર્ટી પર હજારો રૂપિયાના દાનનો રીતસર વરસાદ વરસાવ્યો હતો. જાન બપોરે આશરે ચારેક વાગ્યે હરિયા કોલેજ ખાતે આવી પહોંચી હતી, જ્યાંથી કન્યા પક્ષના નિવાસસ્થાન એવા કૈલાશ નગર સુધી ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

આ વરઘોડામાં માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં મહેમાનો અને ભક્તો દર્શનાર્થે જોડાયા હતા.વિવાહ સ્થળે જાનૈયાઓના સ્વાગત માટે સુંદર રંગોળીઓ પૂરવામાં આવી હતી અને ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી સાથે શાલિગ્રામ ભગવાનનું સામૈયું કરવામાં આવ્યું હતું. આ અલૌકિક લગ્ન સમારોહમાં, હિમાની લિંબાસિયાએ વિષ્ણુ ભગવાન સ્વરૂપ આભૂષણો ધારણ કરી પોતાના હાથમાં શાલિગ્રામ (ભગવાન વિષ્ણુનું સ્વરૂપ) ધારણ કર્યા હતા અને જિયા ઠુંમરએ પવિત્ર તુલસીજીના છોડને ધારણ કર્યો હતો.

આ બંને દ્વારા શાલિગ્રામ તથા તુલસીજીને પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ મુજબ ફેરા ફેરવવામાં આવ્યા હતા સમગ્ર લગ્ન પ્રસંગ ની વિધિ કર્મકાંડી વિધવાન બ્રાહ્મણો દ્વારા કરાવવા આવી હતી. અને આમ, શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે આ ભવ્ય લગ્ન સમારોહ સંપન્ન થયો હતો.

આ પ્રસંગના આગલા દિવસે સાંજીગીતનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સમગ્ર દિવ્ય લગ્ન સમારોહ દરમિયાન, જાનૈયા તથા માંડવાના (કન્યા) પરિવાર સહિત આશરે એક હજાર જેટલા ભાવિકો માટે ભોજન સમારંભ (જમણવાર) યોજવામાં આવ્યો હતો, જેમાં સૌએ સાથે મળીને મહાપ્રસાદનો આનંદ માણ્યો હતો.

આ તુલસી વિવાહ પાછળ એક ગહન પૌરાણિક દંતકથા જોડાયેલી છે. શાસ્ત્રો અનુસાર, ભગવાન શંકરના તેજથી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા શક્તિશાળી અને ઘમંડી રાક્ષસ રાજા જાલંધરની પત્ની વૃંદા (જે અન્ય રાક્ષસ રાજાની દીકરી હતી) મહાન સતી અને તપસ્વી હતી. પોતાના પતિ જાલંધરના મોત બાદ, વૃંદાએ તપ અને ભક્તિના પ્રતાપે બીજા જન્મમાં ભગવાન વિષ્ણુના વરદાન સ્વરૂપે તુલસીના છોડ તરીકે અવતાર લીધો. ભગવાન વિષ્ણુએ (જેમણે ગત જન્મમાં વૃંદા સાથે કપટ કર્યું હતું) શાલિગ્રામ સ્વરૂપે અવતાર ધારણ કરી, છોડ સ્વરૂપ તુલસીજી સાથે વિવાહ કર્યા હતા. ત્યારથી દર વર્ષે કારતક સુદ એકાદશીના પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહનો આ માંગલિક પ્રસંગ અત્યંત ભાવપૂર્વક ઉજવવામાં આવે છે.




