ટેક્સ ઘટાડવાની માંગ સામે કેન્દ્ર સરકારે ભંગાર પરનો TCS બમણો કર્યો, ‘રોડટેપ’ સ્કીમમાં ૫૦% નો કાપ અને ફરજિયાત BIS ના અમલથી બ્રાસ ઉદ્યોગ ભાંગી પડવાની અણી પર; ચેમ્બર ઓફ કોમર્સ અને સાંસદ દ્વારા સઘન રજૂઆતોનો દૌર શરૂ
જામનગર તા.ગુજરાતના ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) હાલ અત્યંત વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરો અને ઔદ્યોગિક વસાહતોના વેપાર-ઉદ્યોગના અગ્રણીઓ સરકાર સમક્ષ ટેક્સના ભારણને હળવો કરવા માટે આશાભેર રજૂઆતો કરવા ગયા હતા, પરંતુ તેમની આ પરિસ્થિતિ ‘કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી’ જેવો ઘાટ ઘડી રહી છે.
જામનગર શહેરમાં ધમધમતા હજારો બ્રાસપાર્ટના લઘુ ઉદ્યોગકારો પહેલેથી જ આયાતી કાચા માલના આસમાને પહોંચેલા બેફામ ભાવવધારાથી ત્રસ્ત હતા, ત્યાં ભારત સરકારના નાણાં મંત્રાલય અને કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ અને વિવિધ જટિલ કમ્પ્લાયન્સના ઉપરાઉપરી ફટકાઓ મારવામાં આવતા પડતા પર પાટુ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. નાના ઉદ્યોગકારો માટે આ પ્રતિકૂળ વાતાવરણમાં વ્યવસાય ટકાવી રાખવો અત્યંત દુષ્કર બની ગયો છે, જેના પરિણામે સમગ્ર ઔદ્યોગિક માળખું ભયંકર હતાશા અને નિરાશાના ગર્તમાં ધકેલાઈ ગયું છે.

કેન્દ્રીય બજેટ અને સરકારી નીતિઓના કારણે જામનગર, રાજકોટ અને મોરબી સહિતના ઉદ્યોગજગતને ઉપરાઉપરી મોટા આર્થિક ફટકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રથમ ફટકા રૂપે, જામનગર ઉદ્યોગકારોની લાંબા સમયની માંગ હતી કે ભંગાર (સ્ક્રેપ) પર લાગતો ૧% નો TCS (Tax Collected at Source) સંપૂર્ણપણે હટાવી લેવામાં આવે, પરંતુ સરકારે આ માંગ ઠુકરાવીને ઉલટાનો આ દર બમણો એટલે કે ૨ ટકા કરી દીધો છે.
બીજો મોટો આઘાત નિકાસકારોને લાગ્યો છે; નિકાસને પ્રોત્સાહન આપવા માટેની અતિ મહત્ત્વપૂર્ણ ‘રોડટેપ’ (RoDTEP) સ્કીમમાં સીધો ૫૦ ટકાનો તોતિંગ કાપ મૂકી દેવાયો છે. અગાઉ આ યોજના હેઠળ રૂ. ૧૦૦ કરોડની નિકાસ પર રૂ. ૮૦ લાખનો આર્થિક લાભ મળતો હતો, જે ઘટાડીને સીધો રૂ. ૪૦ લાખ કરી દેવામાં આવ્યો છે. ત્રીજો અને સૌથી ઘાતક પ્રહાર બ્રાસ હાર્ડવેર સેક્ટર પર થયો છે, જ્યાં BIS સર્ટિફિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ કડક નિયમના કારણે નાના ઉદ્યોગોનો સાવ ખો નીકળી જવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે મોટા ઉદ્યોગો પર ક્વોલિટી મેન્ટેન કરવાનો આર્થિક બોજ અનેકગણો વધી જશે. આ ત્રિપાંખિયા હુમલાને કારણે ગ્લોબલ માર્કેટની ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવું સ્થાનિક ઉદ્યોગો માટે કરોડોની નુકસાની સમાન અને અશક્ય બની ગયું છે.
લઘુ ઉદ્યોગો પર તોળાઈ રહેલા આ ગંભીર સંકટ અને તમામ સળગતા મુદ્દાઓ સંદર્ભે સ્થાનિક ન્યૂઝ મીડિયા ‘જામનગર મિરર’ દ્વારા આજે સાંજે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણિકભાઈ અકબરી સાથે વિશેષ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખે ઔદ્યોગિક આલમની વ્યથા ઠાલવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભંગારના વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતા ૨ ટકા TCS ના અન્યાયી બોજા અંગે ચેમ્બર દ્વારા જામનગરના સાંસદ પૂનમબેન માડમના સક્રિય માધ્યમથી કેન્દ્રીય મંત્રાલય સમક્ષ સઘન રજૂઆત કરવામાં આવી છે.
નિકાસકારોને મળતા પ્રોત્સાહનમાં કાપ મૂકતી રોડટેપ સ્કીમ અંગે તેઓએ માહિતી આપતા ઉમેર્યું હતું કે, આગામી બે-ચાર દિવસમાં સરકાર દ્વારા આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ નોટિફિકેશન પ્રાપ્ત થયા બાદ, તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરીને કેન્દ્રીય મંત્રાલય સમક્ષ ઔદ્યોગિક હિતોના રક્ષણ માટે વધુ એક વિસ્તૃત અને સચોટ રજૂઆત કરવામાં આવશે.જોકે, ઉદ્યોગકારોની આ સતત મહેનતના પગલે ક્યાંક આશાનું કિરણ પણ દેખાઈ રહ્યું છે. પ્રમુખ રમણિકભાઈ અકબરીએ BIS ના ફરજિયાત અમલીકરણ અંગે રાહતજનક સમાચાર આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા દિલ્હીમાં થયેલી રજૂઆતોને કેન્દ્ર સરકાર દ્વારા સકારાત્મક રીતે લેવામાં આવી છે. જામનગરના બ્રાસ હાર્ડવેર ઉદ્યોગ પર આ ફરજિયાત BIS ની વ્યવહારિક અસરો અને મુશ્કેલીઓનો તાગ મેળવવા માટે, કેન્દ્ર સરકાર દ્વારા એક ખાસ IAS અધિકારીને જામનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. ગત તા. ૨૧મીના રોજ જામનગર ચેમ્બરના હોદ્દેદારો અને હાર્ડવેર એસોસિએશનના અગ્રણીઓએ સાથે રહીને આ કેન્દ્રીય અધિકારીને શહેરના નાના-મોટા ૧૦ જેટલા કારખાનાઓની રૂબરૂ મુલાકાત કરાવી હતી. દિલ્હીથી આવેલા આ અધિકારીએ ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા અને જાતમાહિતી મેળવી હતી. ચેમ્બર પ્રમુખ રમણીકભાઈના જણાવ્યા અનુસાર, મુલાકાતના અંતે આ કેન્દ્રીય અધિકારીનો અભિગમ અત્યંત હકારાત્મક રહ્યો છે અને હાલ તેઓ તરફથી પોઝિટિવ રિસ્પોન્સ સાંપડ્યો છે.


