spot_img

કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોને મોટી રાહત: સરકાર ૯ નવેમ્બરથી મગફળી, સોયાબીન સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે

: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘X’ પર કરી જાહેરાત; ૯ લાખથી વધુ ખેડૂતોએ મગફળી માટે નોંધણી કરાવી, ૧૬,૦૦૦થી વધુ ગામોમાં ૪,૮૦૦ ટીમો દ્વારા નુકસાની સર્વે ૭૦% પૂર્ણ

ગાંધીનગર: રાજ્યમાં તાજેતરમાં ત્રાટકેલા કમોસમી વરસાદની અણધારી આફતને કારણે હજારો ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, ત્યારે રાજ્ય સરકારે અન્નદાતાઓની પડખે ઉભા રહીને એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે સરકાર આગામી ૯મી નવેમ્બરથી રાજ્યના ખેડૂતો પાસેથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે (MSP) ખરીદી શરૂ કરશે.

આ નિર્ણયથી એવા સમયે ખેડૂતોને મોટી આર્થિક રાહત મળશે જ્યારે તેઓ કુદરતી આપદાનો સામનો કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આ જાણકારી આપતા જણાવ્યું હતું કે, “સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે” અને ખાતરી આપી હતી કે તંત્ર ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા કરીને પૂરી નિષ્ઠાથી કાર્યરત છે.આ ટેકાના ભાવે ખરીદી માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, અને ખાસ કરીને મગફળીના પાક માટે ખેડૂતોનો મોટો પ્રતિસાદ મળ્યો છે.

સરકારી આંકડા મુજબ, અત્યાર સુધીમાં ૯ લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સરકાર દ્વારા કુલ કેટલી મગફળીની ખરીદી કરવામાં આવશે, તે અંગેનો નિર્ણય પણ આજે જાહેર થવાની શક્યતા છે. આ પગલું એવા સમયે લેવાયું છે જ્યારે માવઠાને કારણે પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર ગંભીર અસર પડી છે, ત્યારે ટેકાના ભાવે ખરીદી ખેડૂતોને નુકસાનીમાંથી ઉગારવામાં મદદરૂપ સાબિત થશે.

નોંધનીય છે કે કમોસમી વરસાદની ઘટના બાદ તુરંત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને અને રીયલ ટાઈમ મોનીટરીંગ દ્વારા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કૃષિ વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગોને સંકલન સાધીને નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે શરૂ કરવા કડક સૂચનાઓ આપી હતી. આ સૂચનાના પગલે, રાજ્યભરના અસરગ્રસ્ત જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના માટે કુલ ૪,૮૦૦થી વધુ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. પ્રાથમિક અંદાજ મુજબ, આ માવઠાની અસર રાજ્યના ૨૪૯ તાલુકાઓના ૧૬,૦૦૦થી વધુ ગામોમાં ખેતી પાકો પર જોવા મળી છે. તંત્રની ત્વરિત કામગીરીને પરિણામે, અત્યાર સુધીમાં ૭૦ ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને બાકીના વિસ્તારોમાં પણ આ કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવશે, જેથી ખેડૂતોને વળતર અને સહાય ચૂકવવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય.સ્થિતિની ગંભીરતાને સમજીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે અસરગ્રસ્ત ખેડૂતોની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ ગામ અને જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીએ ખેડૂતોના ખેતરોમાં જઈને ઉભા પાકને થયેલા નુકસાનનું જાતનિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને તેમની આપવીતી અને રજૂઆતો ધીરજપૂર્વક સાંભળી હતી. મુખ્યમંત્રીની આ સંવેદનશીલતા અને સરકારના ત્વરિત નિર્ણયોએ કુદરતી આપદાની આ મુશ્કેલ ઘડીમાં ખેડૂત પરિવારોને એક મજબૂત આશ્વાસન પૂરું પાડ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles