JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

12 ઓક્ટોબરના મહત્વના સમાચાર: રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ, અમદાવાદમાં BRICS રમતો અને રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો

Oct 12, 2026 | 00:01 | By JAMNAGAR MIRROR
12 ઓક્ટોબરના મહત્વના સમાચાર: રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ, અમદાવાદમાં BRICS રમતો અને રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો

૧૨ ઓક્ટોબરના રોજ દેશ અને દુનિયામાં રાજકીય, ન્યાયિક, સામાજિક અને રમતગમત ક્ષેત્રે અનેક મોટી ઘટનાઓ આકાર લઈ રહી છે. દિલ્હીમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ નોંધાવવા 'ઇન્ડિયા' ગઠબંધનના પ્રતિનિધિઓ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને આવેદનપત્ર સોંપશે. આ સાથે જ લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ તરફ વિશાળ વિરોધ કૂચ યોજાશે. બીજી તરફ, સુપ્રીમ કોર્ટમાં વંદે માતરમના 6 અંતરા ગાવા ફરજિયાત કરવાના મામલે સુનાવણી હાથ ધરાશે, જ્યારે વિજ્ઞાન ભવન ખાતે યોજાનાર રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના 33મા સ્થાપના દિવસ સમારોહમાં CJI સૂર્યકાંત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

રમતગમત અને વિકાસલક્ષી યોજનાઓની વાત કરીએ તો, અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા 'BRICS ટ્રેડિશનલ અને ઈન્ડીજીનસ સ્પોર્ટ્સ ડિમોન્સ્ટ્રેશન ગેમ્સ'નું ઉદ્ઘાટન કરશે. નવી દિલ્હીમાં 'પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના'ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને સી. આર. પાટીલ દ્વારા ઉત્કૃષ્ટ જિલ્લાઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડા હિમાચલ પ્રદેશના કેલોંગ ખાતે 'ICMR ના હાઇ અલ્ટીટ્યુડ મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થ રિસર્ચ સેન્ટર'નો શિલાન્યાસ કરશે.

ગુજરાત રાજ્યમાં પણ રાજકીય અને સામાજિક હિલચાલ તેજ રહેશે. સુરતના ચર્ચિત નાસિરનગર ડીમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. ચૂંટણી કમિશનર સામે વિરોધ વ્યક્ત કરવા પાટણમાં કોંગ્રેસ દ્વારા 'વોટ બચાવો, દેશ બચાવો' પદયાત્રા અને અરવલ્લીના મોડાસામાં વિરોધ રેલી યોજાશે. વડોદરામાં શાળા દ્વારા એલસી આપવા માટે ભારે ફી મંગાતા વાલીઓ DEO કચેરી ખાતે વિરોધ નોંધાવશે, જ્યારે નવરાત્રિ પર્વ અંતર્ગત વડોદરાના રાજવી પેલેસ ખાતે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર અને બુલેટ રાસની વિશેષ પ્રસ્તુતિ થશે. આ સાથે જ વિશ્વભરમાં સાંધાના દર્દો અંગે જાગૃતિ ફેલાવવા 'વિશ્વ સંધિવા દિવસ'ની પણ ઉજવણી કરવામાં આવી રહી છે.

LATEST ARTICLES