જામનગર શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહાનગરપાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. શહેરીજનોને શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તાસભર ખાદ્યસામગ્રી મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વહેલી સવારે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરના ૪૫-દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં દૂધના વિક્રેતાઓ સામે અચાનક હાથ ધરાયેલી આ સઘન ઝુંબેશને પગલે ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ અને દોડધામ મચી જવા પામી હતી.
મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારી નિલેશ પી. જાસોલીયાની સીધી રાહબરી હેઠળ અધિકારીઓની વિશેષ ટીમે વહેલી સવારે જ મોરચો સંભાળ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' મોબાઈલ વાનની મદદ લેવામાં આવી હતી. માર્ગ પરથી પસાર થતા દૂધ વિતરકો પાસેથી સ્થળ પર જ કુલ ૫૧ જેટલા દૂધના નમૂના મેળવીને પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રાથમિક તપાસ દરમિયાન દૂધના અમુક જથ્થામાં ગુણવત્તાના માપદંડો શંકાસ્પદ જણાતાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા હતા.
સ્થળ પર કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણમાં શંકાસ્પદ અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક જણાયેલા આશરે ૮૦ લિટર જેટલા દૂધના જથ્થાનો અધિકારીઓની ઉપસ્થિતિમાં જ તુરંત નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઊંડાણપૂર્વકની તપાસ માટે ૧૦ જેટલા શંકાસ્પદ નમૂનાઓ કાયદેસર સીલ કરીને પૃથક્કરણ અર્થે અધિકૃત લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
પાલિકાના ફૂડ વિભાગના જણાવ્યા મુજબ, લેબોરેટરીમાંથી પરીક્ષણ અહેવાલ આવ્યા બાદ જો નમૂના અપ્રમાણિત ઠરશે, તો જવાબદાર વેપારીઓ સામે કાયદાકીય જોગવાઈ મુજબ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પ્રજાના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ તાકીદ કરતાં અધિકારીઓએ ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ખાદ્યચીજોનું આ પ્રકારનું આકસ્મિક ચેકિંગ સતત ચાલુ રહેશે.
