JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

નવરાત્રી પૂર્વે જામનગર પોલીસ એક્શન મોડમાં: સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ અને જિલ્લા પોલીસ વડાનું રાત્રિ નિરીક્ષણ

Oct 10, 2026 | 13:19 | By JAMNAGAR MIRROR
નવરાત્રી પૂર્વે જામનગર પોલીસ એક્શન મોડમાં: સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ અને જિલ્લા પોલીસ વડાનું રાત્રિ નિરીક્ષણ

આગામી નવરાત્રીના પાવન પર્વ દરમિયાન જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. તહેવારો દરમિયાન સામાન્ય નાગરિકો અને ખેલૈયાઓ નિર્ભયતાથી ગરબે ઘૂમી શકે તેવા ઉદ્દેશ સાથે જિલ્લા પોલીસ દ્વારા વિશેષ તકેદારીના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. અસામાજિક તત્ત્વો પર કડક નજર રાખવા માટે સમગ્ર શહેરમાં વિસ્તૃત સુરક્ષા યોજના ઘડી કાઢવામાં આવી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સીધી સૂચના અને શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયા સહિતના સ્ટાફે શહેરના અતિ સંવેદનશીલ ગણાતા સુમરાચાલી વિસ્તારમાં મોડી રાત્રે ઓચિંતું કોમ્બિંગ કર્યું હતું. આ તપાસ દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો અને લિસ્ટેડ બૂટલેગર મોહમદ ઇકબાલ ખફી ઉર્ફે ઇકબાલ ટકીના રહેણાંક મકાન તથા વાડા સહિતના શંકાસ્પદ સ્થળોએ પોલીસે ઝીણવટભરી તલાશી લીધી હતી, જેનાથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

તહેવારોની સલામતી વ્યવસ્થાની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની પોતે મોડી રાત્રે શહેરના માર્ગો પર નિરીક્ષણ માટે મેદાનમાં ઉતર્યા હતા. તેમણે શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજિત પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા મહોત્સવના સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને ત્યાં ગોઠવવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ રાત્રિ પેટ્રોલિંગમાં નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા તથા સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો અને મુખ્ય માર્ગો પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી.

સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન રાત્રિ પેટ્રોલિંગ અને સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. ગરબા સ્થળોની આસપાસ મહિલાઓની સુરક્ષા માટે સાદા ડ્રેસમાં પણ પોલીસ કર્મીઓ તહેનાત રહેશે. પોલીસ તંત્રની આ સતર્કતા અને સક્રિય કામગીરીથી શહેરીજનોમાં સલામતીનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

LATEST ARTICLES