વધતા જતા વીજળીના બિલ અને ઉનાળાની ઋતુમાં વારંવાર સર્જાતી વીજ કાપની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે હાઇબ્રિડ સોલાર સિસ્ટમ એક શ્રેષ્ઠ અને આધુનિક વિકલ્પ તરીકે ઊભરી આવી છે. સામાન્ય ઓન-ગ્રીડ સોલાર સિસ્ટમની સરખામણીએ હાઇબ્રિડ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ગ્રીડ અને બેટરી સ્ટોરેજ બંને સાથે જોડાયેલી હોય છે. દિવસ દરમિયાન સોલાર પેનલ દ્વારા પેદા થતી વીજળીથી ઘરના તમામ ઉપકરણો ચાલે છે અને વધારાની ઊર્જા બેટરીમાં સંગ્રહિત થાય છે. વીજળી ગુલ થવાના સંજોગોમાં બેટરીમાં સંગ્રહાયેલી વીજળીથી એર કન્ડિશનર, ફ્રિજ અને પંખા જેવા જરૂરી ઉપકરણો અવિરત ચાલુ રાખી શકાય છે.
ભારતમાં પાંચ કિલોવોટ ક્ષમતાની હાઇબ્રિડ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો અંદાજિત ખર્ચ રૂપિયા ૨ લાખથી રૂપિયા ૩.૫૦ લાખ અથવા તેનાથી વધુ થઈ શકે છે. આ કુલ ખર્ચ સોલાર પેનલની ગુણવત્તા, ઇન્વર્ટરની ટેકનોલોજી અને બેટરીના પ્રકાર પર નિર્ભર રહે છે. આ સિસ્ટમમાં સોલાર પેનલ પાછળ આશરે રૂપિયા ૯૦ હજારથી દોઢ લાખ અને હાઇબ્રિડ ઇન્વર્ટર માટે રૂપિયા ૪૫ હજારથી ૯૫ હજારનો ખર્ચ થાય છે. બેટરીની બાબતમાં સાદી લીડ-એસિડ બેટરી રૂપિયા ૫૦ હજારથી શરૂ થાય છે, જ્યારે ટકાઉ લિથિયમ બેટરી માટે રૂપિયા ૧.૨૦ લાખ કે તેથી વધુ ખર્ચ થઈ શકે છે. આ સિવાય પેનલનું માળખું, સુરક્ષા સાધનો અને વાયરિંગનો વધારાનો ખર્ચ પણ સમાવિષ્ટ હોય છે.
કેન્દ્ર સરકારની ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ રહેણાંક વિસ્તારમાં પાંચ કિલોવોટ જેવી ક્ષમતા ધરાવતી સિસ્ટમ લગાવવા પર કેન્દ્ર તરફથી મહત્તમ રૂપિયા ૭૮ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર રહે છે. આ ઉપરાંત અમુક રાજ્યોમાં સ્થાનિક નીતિ અંતર્ગત વધારાની નાણાકીય સહાય પણ મળે છે, જેથી કુલ સબસિડી રૂપિયા ૧ લાખથી વધુ થઈ શકે છે. જોકે, ગ્રાહકોએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે સરકાર દ્વારા સબસિડી માત્ર ગ્રીડ-કનેક્ટેડ માન્યતા પ્રાપ્ત ઉપકરણો પર જ આપવામાં આવે છે અને તેમાં બેટરીનો ખર્ચ આવરી લેવાતો નથી. તેથી સોલાર સિસ્ટમ ખરીદતા પહેલાં અધિકૃત વિક્રેતાઓ પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી લેવી હિતાવહ છે.
