ચીનના અગ્રણી ઔદ્યોગિક અને તકનીકી શહેર શેનઝેનમાં હવે રાત્રિના અંધકારમાં પણ સ્વચાલિત રોબોટ વાહનો દ્વારા માલસામાનની ડિલિવરી કરવાની અનોખી શરૂઆત થઈ છે. સામાન્ય રીતે દિવસના સમયે દોડતી માનવરહિત ટેક્સીઓ, ડ્રોન અને ડિલિવરી રોબોટ્સ હવે મોડી રાત્રે પણ રસ્તાઓ પર સક્રિય બન્યા છે. સ્થાનિક બજારોમાંથી રાત્રિના સમયે દૂધ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી કરિયાણાની વસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આ આધુનિક સ્વચાલિત વાહનોનો ઉપયોગ વધ્યો છે. આગળના ભાગે અત્યાધુનિક સેન્સર્સ ધરાવતા આ ચાલક રહિત વાહનો કલાકના ૪૫ કિલોમીટરની ઝડપે રસ્તાઓ પર દોડીને ગ્રાહકોના ઘર સુધી સામાન પહોંચાડે છે.
પ્રાયોગિક ધોરણે શરૂ થયેલા આ પ્રોજેક્ટથી સ્વાયત્ત પરિવહન ક્ષેત્રે એક નવી ક્રાંતિનો પાયો નખાયો છે. રાત્રિના ઓછા પ્રકાશમાં વાહન ચલાવવું પડકારજનક હોવા છતાં, ખાલી રસ્તાઓ અને ટ્રાફિકની ગેરહાજરી કંપનીઓ માટે મોટો આર્થિક ફાયદો સાબિત થઈ રહી છે. તજજ્ઞોના મતે લોજિસ્ટિક્સ ક્ષેત્રે સૌથી મોટો ખર્ચ માનવ કર્મચારીઓનો હોય છે. જ્યારે આ રોબોટ વાહનોને રાત્રિપાળીનું વધારાનું ભથ્થું ચૂકવવું પડતું નથી, તેઓ મોડી રાત્રે કે ખરાબ હવામાનમાં થાકતા નથી અને દિવસના ભારે ટ્રાફિકમાંથી મુક્તિ મેળવી સમયસર પહોંચે છે. આ પ્રક્રિયાથી સમય અને નાણાં બંનેની મોટી બચત થાય છે.
ચીનની અગ્રણી ટેકનોલોજી કંપનીઓએ ભૌતિક કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે 'ફિઝિકલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' પાછળ જંગી મૂડીરોકાણ કર્યું છે. દેશનું વિશાળ બજાર, મજબૂત બેટરી અને સેન્સર ઉત્પાદન ઉદ્યોગ તેમજ સ્થાનિક પ્રશાસનની પરવાનગી આ પ્રયોગોને સફળ બનાવી રહ્યા છે. શહેરોમાં ડિજિટલ નેટવર્ક અને ઈલેક્ટ્રિક વાહનોની મજબૂત સપ્લાય ચેઈનને કારણે ચીન આ ક્ષેત્રમાં અગ્રેસર બન્યું છે. ભવિષ્યમાં રાત્રિના સમયે ચાલતી આ રોબોટિક ડિલિવરી સિસ્ટમ સમગ્ર વિશ્વના વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રનું ચિત્ર બદલી નાખશે તે નક્કી છે.
