JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય તો તાત્કાલિક કરો બ્લોક: સાયબર છેતરપિંડીથી બચવા માટે અનુસરો આ સરળ પગલાં

Oct 09, 2026 | 11:20 | By JAMNAGAR MIRROR
ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય તો તાત્કાલિક કરો બ્લોક: સાયબર છેતરપિંડીથી બચવા માટે અનુસરો આ સરળ પગલાં

આજના ડિજિટલ યુગમાં રોકડ નાણાં સાથે રાખવાનું ચલણ ખૂબ ઘટી ગયું છે. ખરીદીથી લઈને કોઈપણ પ્રકારની નાણાકીય ચૂકવણી માટે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. કાર્ડ દ્વારા નાણાકીય વ્યવહારો કરવાથી સમયની બચત થાય છે તેમજ વિવિધ આકર્ષક વળતર પણ મળતા હોય છે. પરંતુ જો આ મહત્વપૂર્ણ કાર્ડ અચાનક ક્યાંક પડી જાય કે ચોરાઈ જાય, તો સહેજ પણ બેદરકારી ગંભીર આર્થિક નુકસાન કરાવી શકે છે. આવી કટોકટીભરી સ્થિતિમાં ગભરાયા વગર સૌથી પહેલું અને આવશ્યક કામ કાર્ડને તાત્કાલિક કાયમી ધોરણે બ્લોક કરવાનું છે, જેથી કોઈપણ અજાણી વ્યક્તિ તેનો દુરુપયોગ ન કરી શકે.

કાર્ડ બ્લોક કરવા માટે ગ્રાહકોએ બેંકની શાખા સુધી જવાની બિલકુલ જરૂર નથી. બેંકિંગ એપ અથવા સત્તાવાર ઇન્ટરનેટ બેંકિંગ પોર્ટલની મદદથી ઘેરબેઠા જ ક્ષણભરમાં કાર્ડ સુરક્ષિત કરી શકાય છે. તેના માટે સંબંધિત બેંકની એપ અથવા વેબસાઇટમાં લૉગિન કર્યા બાદ કાર્ડ વિભાગમાં જવાનું રહે છે. ત્યાં ખોવાયેલા કાર્ડના છેલ્લા ચાર અંકોની ખાતરી કરીને તેને પસંદ કરવું પડે છે. ત્યારબાદ મેનેજ કાર્ડ અથવા સહાય વિકલ્પમાં જઈને ‘કાયમી બ્લોક અને નવું કાર્ડ ઇસ્યુ’ કરવાનો વિકલ્પ પસંદ કરી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહે છે. આ પ્રક્રિયા પૂરી થતાં જ બેંક તરફથી કાર્ડ બ્લોક થયાની તુરંત જાણ કરી દેવામાં આવે છે.

આ ઉપરાંત અનેક બેંકો ટૂંકા સંદેશ એટલે કે એસએમએસ દ્વારા પણ કાર્ડ બંધ કરવાની ઝડપી સુવિધા પૂરી પાડે છે. આ માટે બેંક દ્વારા નિયત કરવામાં આવેલા ચોક્કસ ફોર્મેટમાં કાર્ડના છેલ્લા ચાર અંકો લખીને નિર્ધારિત નંબર પર સંદેશ મોકલવાનો રહે છે. પ્રક્રિયા પૂર્ણ થતાં જ મોબાઈલ પર પુષ્ટિ સંદેશ આવી જાય છે. જો કાર્ડ ખોવાયા બાદ ખાતામાંથી કોઈ અનધિકૃત વ્યવહાર થયો હોવાનું ધ્યાને આવે, તો જરાય વિલંબ કર્યા વિના તુરંત જ બેંકના ગ્રાહક સેવા કેન્દ્ર પર સંપર્ક સાધી વિવાદ નોંધાવવો જોઈએ અને સાયબર વિભાગમાં ફરિયાદ કરવી જોઈએ.

LATEST ARTICLES