અમદાવાદ સ્થિત ઇન્ડસ યુનિવર્સિટી વર્ષ ૨૦૧૨થી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં અનોખી છાપ ઊભી કરી રહી છે. શિક્ષણ, સ્વાવલંબન, સંશોધન, સેવા અને નૈતિક મૂલ્યોના સમન્વય સાથે આ શૈક્ષણિક સંસ્થા નિરંતર આગળ વધી રહી છે. યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પુસ્તકીય જ્ઞાન આપીને પદવી એનાયત કરવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય, માનવીય સંવેદનાઓ અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવનાનું સિંચન કરીને તેમના સર્વાંગી વિકાસ માટે મજબૂત પાયો તૈયાર કરવાનો છે.
સંસ્થાના પ્રેસિડેન્શિયલ સેક્રેટરિયટ ડૉ. નાગેશ ભંડારી અને ડૉ. રિતુ ભંડારી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ રાધિકા ભંડારીના કુશળ અને દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ સંસ્થા શૈક્ષણિક ગુણવત્તાની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ અને સાંસ્કૃતિક ચેતનાને પણ વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. અહીં વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્પર્ધામાં સફળતાપૂર્વક ટકી શકે તે હેતુથી આધુનિક જ્ઞાન પૂરું પાડવાની સાથે સાથે તેમને સંસ્કારી અને નૈતિક મૂલ્યોથી સભર નાગરિક બનાવવાની દિશામાં સતત પ્રયાસો કરવામાં આવે છે.
ઇન્ડસ યુનિવર્સિટીનું કુદરતી સૌંદર્યથી ભરપૂર અને વિશાળ પરિસર વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રેરણાદાયી વાતાવરણ પૂરું પાડે છે. સંસ્થામાં એન્જિનિયરિંગ, ડિઝાઇન અને આર્કિટેક્ચર, કમ્પ્યુટર સાયન્સ, બિઝનેસ મેનેજમેન્ટ, એવિએશન ટેક્નોલોજી, ક્લિનિકલ રિસર્ચ, કૌશલ્ય વિકાસ, ભારતીય અધ્યયન, આર્ટ્સ અને હ્યુમેનિટીઝ, વાણિજ્ય, ફાર્માસ્યુટિકલ સાયન્સિસ, એપ્લાઇડ સાયન્સિસ તેમજ કાયદાકીય શિક્ષણ સહિતના અત્યંત ઉપયોગી અને રોજગારલક્ષી અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.
શૈક્ષણિક અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થીઓમાં અનુશાસન અને રાષ્ટ્રસેવાની ભાવના પ્રબળ બને તે માટે કેમ્પસ પર વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. પરિસરમાં સક્રિય રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસીની આર્મી, નેવી અને એર વિંગ્સ તેમજ રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એનએસએસ જેવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને સમાજસેવા અને દેશસેવા સાથે જોડી રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી મેળવીને સીમિત રહેવાને બદલે સમાજના સક્ષમ અને જવાબદાર નાગરિક તરીકે ઉભરી આવે છે.
