ભારતીય વાહન ઉદ્યોગમાં સ્થિર અને ટકાઉ વિકાસ હાંસલ કરવા માટે ઊંડું સ્થાનિકીકરણ આગામી સમયનો સૌથી મોટો પડકાર અને આવશ્યકતા બનશે, તેમ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના વડા હિસાશી તાકેઉચીએ જણાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતીય વાહન બજાર હવે વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમનું સૌથી મોટું બજાર બની ગયું છે અને અહીંથી વિશ્વભરમાં વાહનોની નિકાસ કરવાની વિપુલ તકો રહેલી છે. આ સંજોગોમાં કંપનીએ વૈશ્વિક સ્તરની ગુણવત્તા, યોગ્ય પડતર કિંમત અને ઊંચી ઉત્પાદકતા હાંસલ કરવી અત્યંત અનિવાર્ય બની ગઈ છે.
કંપનીની ઐતિહાસિક સફરને યાદ કરતાં તેમણે જણાવ્યું કે, કંપનીએ જ્યારે ૪૩ વર્ષ પહેલાં ભારતમાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો, ત્યારે વાહનોના પૂર્જા બનાવવા માટે કોઈ સ્થાનિક વ્યવસ્થા કે સપ્લાયર નેટવર્ક ઉપલબ્ધ નહોતું. કંપનીના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું માનવું હતું કે કોઈપણ ઊંડા સ્થાનિક ઉત્પાદન પહેલાં ભારતમાં સ્થાનિક સપ્લાયરનું એક મજબૂત માળખું ઊભું કરવું પડશે. માત્ર બે-ત્રણ સપ્લાયર્સ સાથે શરૂ થયેલી આ સફર આજે વિશાળ વટવૃક્ષ બની છે. હાલ ભારતમાં ૪૦૦ થી વધુ પ્રથમ હરોળના તથા ૧૫૦૦ થી વધુ દ્વિતીય અને તૃતીય હરોળના સપ્લાયર્સ કાર્યરત છે, જે દેશની તમામ વાહન નિર્માતા કંપનીઓને પૂર્જાઓ પૂરા પાડે છે.
વૈશ્વિક અનિશ્ચિતતાઓ અંગે વાત કરતાં તેમણે ઉમેર્યું કે, હાલ સેમિકન્ડક્ટરની અછત, રેર અર્થ સામગ્રીની તંગી તેમજ પશ્ચિમ એશિયાના તણાવને લીધે તેલ અને ગેસ ક્ષેત્રે વારંવાર અવરોધો જોવા મળી રહ્યા છે. આવા વૈશ્વિક આંચકાઓ સામે ટકી રહેવા માટે અન્ય દેશો પર સાધન-સામગ્રીની નિર્ભરતા ઘટાડવી જરૂરી છે. જો પૂર્જાઓ માટે વિદેશી સપ્લાય પર નિર્ભર રહીશું, તો લાંબા ગાળે સ્પર્ધાત્મક બની શકાશે નહીં. સ્થાનિક સ્તરે જ વધુમાં વધુ પૂર્જાઓનું નિર્માણ કરીને ભારતીય વાહન ઉદ્યોગને કોઈપણ સંકટ સામે સક્ષમ બનાવી શકાશે.
આગામી તબક્કાની રૂપરેખા આપતાં તેમણે જણાવ્યું કે, મારુતિ સુઝુકી હવે સ્થાનિક સપ્લાયર માળખાને વધુ આધુનિક બનાવી સ્થાનિકીકરણના નવા યુગમાં પ્રવેશ કરી રહી છે. ભારતને વિશ્વના નિકાસ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે આત્મનિર્ભરતા સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે. સ્થાનિક સ્તરે સંશોધન, વિકાસ અને ઉચ્ચ ગુણવત્તાવાળા પૂર્જાઓનું નિર્માણ કરીને જ દેશના વાહન ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકાશે.
